જૂનાગઢના યુવાનનું અપહરણ કરી મારમાર્યાના બનાવમાં ગણેશ જાડેજા સહિત ૮ જેલહવાલે : કેસને મજબુત બનાવવા સીટની રચના

0

જૂનાગઢ અનુસુચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરીને હત્યા કરવાની કોશિષ કર્યાના ગુનામાં પાંચ દિવસથી ફરાર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના ૭ સાગરીતોને જૂનાગઢ પોલીસે બાતમીના આધારે કોટડા સાંગાણીના હડમતાળા(અરડોઈ)ની સીમમાં આવેલ ભગીરથસિંહ ભરતસિંહની વાડીમાંથી ઝડપી બાદ ગઈકાલે સાત દિવસના રિમાન્ડની માંગ સાથે તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજુ કરતા કોર્ટે રિમાન્ડ ના મંજુર કરીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. સીટની રચના કરવામાં આવી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષ, અપહરણ, રાયોટીંગ, એટ્રોસિટી સહિતની કલમો અન્વયે દાખલ થયેલ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી . જેમાં નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાના ફુટેજને આધારે વાહનોના નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી હતી અને સંજયનું અપહરણ કરનારા જસદણના ત્રણ આરોપી ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ કરવામાં આવી હતી. જેના આધારે અન્ય વાહનોની ઓળખ અને ટેકનીકલ સોર્સ, હ્મુમન સોર્સની બાતમીના આધારે ગણેશ સહિતના આરોપીઓ કોટડા સાંગાણીના હડમતાળાની સીમમાં આવવાની હકિકત મળતા એલસીબી પીએસઆઈ ડી.કે. ઝાલા, એ ડીવીઝન પીઆઈ વત્સલ સાવજ સહિતની બે ટીમ જે છેલ્લા પાંચ દિવસથી ગોંડલ મુકામે વોચમાં હતી. તે બે ટીમોએ હડમતાળા(અરડોઈ)ની સીમમાં આવેલ ભગીરથસિંહ ભરતસિંહની વાડીમાંથી ગણેશ સહિતના કુલ ૮ આરોપીઓને ઝડપી અટક કરવામાં આવ્યા હતા. સ્થળ ઉપરથી પોલીસે એક કાળા કલરની થાર અને ફોચ્ર્યુનર ગાડી, બે મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા છે. આઠેય આરોપીઓની ધરપકડ કરી ગઈકાલે બપોરે ગણેશ સહિતના આરોપીનું સિવીલ હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવીને સાંજે ૪ઃ૩૦ કલાકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તમામના સાત દિવસના રિમાન્ડની માંગ સાથે અત્રેની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન આરોપીઓ બનાવ પછી કયાં કયાં રોકાયા હતા, કોણે-કોણે આશરો આપ્યો હતો અને ફરિયાદમાં દર્શાવેલ હથિયારો કબ્જે કરવા તપાસ કરવામાં આવશે. સાથે આ કેસમાં ટેકનીલક સર્વેલન્સના આધારે વધુને વધુ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરીને આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે એસપી દ્વારા સીટની રચના કરવામાં આવી છે. જેમાં એલઆઈબી પીઆઈ બી.બી. કોળી, એલસીબી પીઆઈ જે.જે. પટેલ, તાલુકા પીઆઈ વાય.એમ. સોલંકી અને તપાસનીશ અધિકારી મળીને આ ચાર અધિકારીઓ આ કેસને મજબુત બનાવવા માટે પુરાવાઓ એકત્ર કરશે. આ કેસમાં અત્યાર સુધીમાં ગણેશ સહિતના ૧૧ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હજુ આ કેસમાં વધુ આરોપીઓ સંડોવાયેલ હોવાની અને વધુ એક કારનો ઉપયોગ થયા હોવાની પોલીસને શંકા છે. તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તમામ આરોપીઓના રિમાન્ડ ના મંજુર થતા તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે. હજુ સુધી આ કેસમાં આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી નથી તે અંગે ડીવાયએસપીએ કહ્યું હતું કે, ઓળખ પરેડ માટે પોલીસ દ્વારા મામલતદારને રીપોર્ટ કરવામાં આવ્યો છે પરંતુ મતગણતરીના કામને લઈને ઓળખ પરેડ થઈ શકેલ નથી. જેવો મામલતદાર સમય આપશે તુરંત ઓળખ પરેડ કરાવવામાં આવશે. આરોપીઓની પ્રાથમિક પુછતાછમાં તેઓએ વિઠીયો ઉતાર્યો હોય તેવું કબુલી નથી રહ્યા જેથી આ કેસમાં વિડીયો ઉતાર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અંગે દર્શાવેલ જગ્યા, સ્થળ અને સમય અંગે તપાસ કરવામાં આવશે અને આરોપીના મોબાઈલમાં વિડીયો ઉતાર્યો છે કે કે પછી ડીલીટ કરી નાખ્યો છે તે અંગે ખરાઈ કરવા મોબાઈલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકીએ એવા આક્ષેપ કર્યો હતો કે, ગણેશને સ્પેશીયલ સુવિધાઓ આપવામાં ના આવે, તેને ગોંડલથી લાવવામાં આવ્યો ત્યારે પોલીસ જીપના બદલે લકઝુરી કારમાં બેસાડીને લાવવામાં આવ્યો હતો તે અંગે સ્પષ્ટતા કરતા ડીવાયએસપીએ કહ્યું હતું કે, જયારે આરોપીઓ પકડાયા ત્યારે તેની સંખ્યા આઠ હતી. સ્થળ ઉપર પોલીસને બે ગાડી હતી જેથી આરોપીની એક કારમાં અન્ય આરોપીઓને અને ગણેશને પોલીસની જીપમાં બેસાડીને જ જૂનાગઢ લાવવામાં આવ્યો હતો અને આરોપીની કબ્જે કરવામાં આવેલી કાર પણ પોલીસ ડ્રાઈવર ચલાવતો હતો અને કારમાં પોલીસ સ્ટાફ બેઠેલ હતા. પોલીસે કહ્યું હતું કે, સંજયનું અપહરણ કરીને આરોપીઓ જયારે જૂનાગઢથી ગોંડલ તરફ જતા હતા ત્યારે રસ્તામાં પીઠડીયા ટોલનાકા પાસે તેઓને માથાકુટ થયેલી અને ઝપાઝપી પણ થયેલ હતી. તે સીસીટીવી પણ કબ્જે લેવામાં આવ્યા છે તેમજ પ્રાથમિક પુછતાછમાં સંજયને મેવાસાનું પાટીયું, પીઠડીયા ટોલનાકા સુધી લઈ ગયાનું સામે આવ્યું છે. આ સિવાય ફરિયાદમાં દર્શાવેલ સ્થળો અંગે પોલીસ દ્વારા ખરાઈ કરવામાં આવશે.
દરમ્યાન ગણેશ સહિતના ૮ આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગ સાથે પોલીસે જૂનાગઢ કોર્ટમાં રજુ કર્યા હતા જેમાં પોલીસે તપાસ માટેના ૧૦ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. ત્યારે કોર્ટે બંને પક્ષેની દલીલોને સાંભળીને રિમાન્ડ ના મંજુર કર્યા અને આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. પોલીસે રિમાન્ડ માટે રજુ કરેલા મુદ્દાઓની વાત કરીએ તો આ કેસમાં તપાસ માટે આરોપીઓએ બનાવ સમયે પહેરલા કપડા કબ્જે કરવાના છે, ફરિયાદમાં જણાવેલ હકિકત મુજબ વિડીયો ઉતારેલ છે તો ખરેખર કયાં મોબાઈલમાં ઉતાર્યો હતો, તે મોબાઈલ કબ્જે કરવાનો છે. સંજયને છેલ્લે ગણેશના ઘરે લઈ ગેલા ત્યારે આરોપીઓના હાથમાં પિસ્તોલ, પાઈપ જેવા હથિયારો હોવાનો ઉલ્લેખ છે તો હથિયાર કબ્જે કરવાના છે. આ સિવાય અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ, એક આરોપીએ ફરિયાદીને પોતે પોલીસ હોવાની ઓળખ આપેલી હતી તો તે આરોપી ખરેખર પોલીસ કર્મચારી છે કે કેમ, સાતેય આરોપીની ઓળખ પરેડ માટે તેની હાજરી આવશ્યક છે. અન્ય ઈસમોની સંડોવણીને લઈને આરોપીઓની કોલ ડીટેઈલ મેળવા તજવીજ કરવામાં આવી છે. તેમજ ગુનાના કામે કબ્જે લેવાયેલ વાહનો સિવાય અન્ય કોઈ અન્ય વાહનોનો ઉપયોગમાં કરેલ છે કે કેમ તેમજ સંજયનું અપહરણ કરવા માટે કોણે રેકી કરી તે ઈસમો કોણ હતા તે મુદ્દાઓ રજુ કર્યા હતા.

error: Content is protected !!