આજે મહત્વનાં રાજકીય ઘટનાક્રમમાં જુના સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં એનડીએના સાથીપક્ષોની બેઠક મળી હતી જેમાં ભાજપ સહિત તમામ સહયોગી પક્ષોનાં નેતાઓ હાજર રહયા હતા. બેઠક શરૂ થયા બાદ રાજનાથસિંહે એનડીએ સંસદીય દળનાં નેતા પદે નરેન્દ્ર મોદીનાં નામનો પ્રસ્તાવ મુકયો હતો જેને અમિત શાહે અને નીતીન ગડકરીએ સમર્થન આપ્યું હતું. ત્યાબાદ એનડીએનાં સહયોગી પક્ષોનાં નેતાઓ નીતીશકુમાર, ચંદ્રાબાબુ નાયડુ, એચ.ડી. કુમારાસ્વામી વગેરેએ ઠરાવનું સમર્થન કર્યુ હતું. એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીની વરણીનાં ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
તદ ઉપરાંત ભાજપ શાસિત રાજયોનાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહયા હતા. એનડીએની બેઠક શરૂ થઈ તે પહેલા નરેન્દ્ર મોદીએ સંવિધાનને નમન કરીને સ્થાન ગ્રહણ કર્યુ હતું. સુત્રોનાં જણાવ્યા મુજબ આજે જ સરકાર રચવાનો દાવો રજુ કરી દેવામાં આવશે. શપથવિધી ૯ જૂને સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં
યોજાશે.