કેશોદમાં હોર્ન વગાડવા મુદ્દે બોલાચાલી થયા બાદ એસટી ડ્રાઇવર ઉપર બેનો લાકડી વડે હૂમલો

0

કેશોદ એસટી ડેપોના બસ ડ્રાઈવર એસટી બસ ચલાવી રહ્યાં હતાં ત્યારે રસ્તાં વચ્ચે ગાય ઉતરતાં બસનું હોર્ન વગાડતાં ૨ શખ્સોએ લાકડી વડે બસનો કાચ તોડી નાંખી ડ્રાઈવર ઉપર હુમલો કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બંને શખ્સોને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ કેશોદમાં રહેતાં રમેશભાઈ રાણાભાઈ ડાંગર એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં હોય જીજે ૧૮ ઝેડ ૯૧૭૧ નંબરની મેંદરડા – રાજેશર – કેશોદ બસ ચલાવી રહ્યાં હતાં. ત્યારે એસટી બસ અક્ષયગઢ અને એનપી કોલેજ વચ્ચે પહોંચતાં રસ્તામાં ગાય ઉતરતાં હોય કંપની માન્ય હોર્ન વગાડ્યું હતું. એક વાર સાઇડમાં જતી રહેલી ગાય ફરી રોડ ઉપર આવતાં ફરી હોર્ન વગાડ્યું હતું આથી ગાયની સાથે ચાલી રહેલ એક શખ્સ આવી પહોંચી હોર્ન કેમ વગાડે છે તેમ ગાળા ગાળી કરા બસના આગળના ભાગના મુખ્ય કાચમાં લાકડી મારી તોડી નાખ્યો હતો. જયારે ડ્રાઇવરે બસ રોકી તો આ શખ્સે ડ્રાઇવર ઉપર લાકડી વડે હુમલો કરી એક ઘા મારી ઇજા પહોંચાડી હતી તે દરમ્યાન જીજે-૧૧-એએચ-૫૪૭૪ નંબરની બાઈક ઉપર એક શખ્સ આવી પહોંચતાં બંને શખ્સોએ અહીંયા નીકળતી વખતે હોર્ન વગાડવાનું નહી તેમ કહી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ડ્રાઇવરે તેમને મળેલ જાણકારી મુજબ સેજા ડાયાભાઈ, અમરા સેજાભાઈ નામના શખ્સ વિરૂધ્ધ ફરજ રૂકાવટ સહિત જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!