ભવનાથમાં ફરી પ્રતિબંધિત પ્લાસ્ટીકની ચીજવસ્તુઓનું છાનેખુણે વેંચાણ

0

મનપા, પોલીસ, વન વિભાગે થોડા દિવસ ચેકિંગ બંધ રાખ્યા બાદ અચાનક તપાસ કરતા ચારથી વધુ વેપારીઓ દંડાયા

જૂનાગઢના ભવનાથ તળેટીમાં થોડા સમય પ્લાસ્ટીક ચેકિંગની કાર્યવાહી બંધ રહ્યા બાદ છાનેખુણે પ્લાસ્ટીકની બોટલો સહિતની અનેક પ્લાસ્ટીક પેકિંગની ચીજવસ્તુઓનું વેંચાણ શરૂ થઈ ગયું હતું. આ અંગે તંત્રને ધ્યાને આવતા મનપા, પોલીસ, વનતંત્ર સહિતનો કાફલો ભવનાથમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પ્લાસ્ટીકના પેકિંગ વાળી ગુલ્ફી સહિતની ચીજવસ્તુઓ પકડાતા વેપારીઓને દંડ ફટકારાવમાં આવ્યો હતો. ગિરનાર ઈકો સેન્સેટીવ ઝોનમાં આવતા ભવનાથમાં પ્લાસ્ટીક પ્રતિબંધ છે. થોડા સમય પહેલા આ કાયદાની તંત્રએ કડક અમલવારી કરાવતા ભવનાથમાં પ્લાસ્ટીક પેકિંગની ચીજવસ્તુઓનું વેંચાણ બંધ થઈ ગયું હતું. ભવનાથમાં પ્લાસ્ટીક જતું અટકાવવા માટે અશોક શિલાલેખ નજીક પ્લાસ્ટીક ચેકિંગ માટેની ચેકપોસ્ટ પણ શરૂ કરી હતી. હાલ અશોક શિલાલેખ પાસે રસ્તાનું ખોદકામ ચાલતું હોવાથી ચેકપોસ્ટ બંધ જેવી હાલતમાં હોવાથી ફરી ભવનાથમાં પ્લાસ્ટીક પેકિંગની વસ્તુઓ ઘુસવા માંડી હતી. અમુક દુકાનદારો છાનેખુણે પ્લાસ્ટીકની બોટલ, પ્લાસ્ટીક પેકિંગમાં આવતી ગુલ્ફી સહિતની અનેક ચીજવસ્તુઓનું ઉંચા ભાવ લઈ વેંચાણ શરૂ કરી દીધું હતું. આ અંગે મનપાએ ભવનાથ વિસ્તારમાં ફરી અગાઉની જેમ ચેકિંગનો દોર શરૂ કર્યો હતો. જેમાં ચારથી વધુ દુકાનદારોને ત્યાં પ્રતિબંધીત પ્લાસ્ટીક પેકિંગની ગુલ્ફીનું વેંચાણ કરવામાં આવતું હતું તે ધ્યાને આવતા દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

error: Content is protected !!