જૂનાગઢ જીલ્લા અનુસુચિત જાતિના પ્રમુખના પુત્ર સંજય સોલંકીના અપહરણ અને હત્યાની કોશિષના ગુનામાં જૂનાગઢ જેલમાં રહેલા ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના ૧૧ આરોપીઓની હવે પોલીસ જેલમાં રહીને પુછતાછ કરી શકશે તેના માટે અત્રેની કોર્ટે મંજુરી આપી છે. એટ્રોસિટી, અપહરણ, હત્યાની કોશિષ, રાયોટીંગ, આમર્સ એકટ સહિતના ગુનામાં પકડાયેલા ગણેશ જાડેજા સહિતના ૧૧ આરોપીઓ હાલ જેલમાં છે. પોલીસે આ કેસમાં તપાસ માટે અને પુરાવાઓ એકત્ર કરવા માટે પકડાયેલા ૮ આરોપીઓના ૭ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે રિમાન્ડ ના મંજુર થવાથી પોલીસે તપાસ માટે સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી આરોપીઓની પુછતાછ માટે અત્રેની કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને પોલીસને સવારના ૯થી સાંજના ૬ વાગ્યા સુધી આરોપીઓની પુછતાછ માટે માત્ર જેલમાં રહીને પુછતાછ કરી શકશે તેવી મંજુરી આપી છે. તો બીજી તરફ આરોપીઓના રિમાન્ડ મેળવવા પોલીસ આગામી દિવસોમાં હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરશે.
દરમ્યાન જયરાજસિંહની દબંગગીરી સામે સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા આવતીકાલે તા.૧રને બુધવારે વિશાળ બાઈક રેલીનું આયોજન કર્યું છે. જે રેલી પૂર્વે સવારે ૮ કલાકે જૂનાગઢના કાળવા ચોકમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને જય ભીમના નારા સાથે સૌ દલીત યુવાનો આ રેલીમાં જાેડાશે અને ગોંડલ પહોંચશે ત્યાં સમગ્ર ગોંડલ શહેરની બજારમાં ફરશે. આ માટે સમગ્ર સૌરાષ્ટ્રના ગામડે-ગામડે દલીત સમાજના આગેવાનો, યુવાનો જાેડાશે.