જૂનાગઢમાં પોલીસે બે વિદ્યાર્થીને કારમાં દારૂની હેરફેર કરતા પકડી લઈ રૂપિયા ૬.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. પી. વણઝારા સ્ટાફ સાથે વહેલી સવારે શહેરમાં પ્રોહિ જુગાર ડ્રાઇવ સબબ વોચ અને પેટ્રોલિંગમાં હતા ત્યારે જીજે ૦૧ ડબલ્યુજી ૫૬૦૮ નંબરની કાર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી મધુરમ વંથલી રોડથી નીકળી ઝાંઝરડા ચોકડી બાજુ જવાની હોવાની અને આ કાર ચોબારી ફાટક આગળથી પસાર થવાની હોવાની હકીકત મળતા વોચ ગોઠવી હતી. આ દરમ્યાન ચોબારી રેલવે ફાટક પાસે બાતમી વાળી કાર આવતા તેને રોકી તલાશી લેતા કારની પાછળની સીટ અને ડેકીમાંથી રૂપિયા ૬૪,૦૩૨ની કિંમતનો ૧૬૮ બોટલ દારૂ મળી આવ્યો હતો. અને પોલીસે દારૂના જથ્થા સાથે કારમાં સવાર કોડીનાર તાલુકાના નાનાવાડા ગામનો વતની અને હાલ જૂનાગઢમાં ખામધ્રોળ રોડ વિસ્તારમાં રહેતો નર્સિંગનો વિદ્યાર્થી વિવેક રણવીરભાઈ સોસા(ઉ.વ.૨૦) અને કોડીનાર તાલુકાના સરખડી ગામનો વતની અને હાલ ખામધ્રોળ રોડ વિસ્તારમાં રહેતો બીકોમનો અભ્યાસ કરતો અનિલ કરસનભાઈ રાઠોડ(ઉ.વ.૧૯)ની ધરપકડ કરી દારૂ, બે મોબાઈલ તેમજ રૂપિયા ૬ લાખની કાર સહિત કુલ રૂપિયા ૬,૮૪,૦૩૨નો મુદ્દામલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. કારમાં ૧૬૮ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયેલા બે વિદ્યાર્થીની પોલીસે પૂછપરછ કરતા બંનેએ ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વસીમ ઉર્ફે ભૂરો મેમણ પાસેથી દારૂનો જથ્થો લીધો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે અંગે અને વસીમ ઉર્ફ ભૂરોની ધરપકડ તથા વધુ તપાસ માટે વિવેક સોસા અને અનિલ રાઠોડને શનિવાર સાંજ સુધીના રિમાન્ડ ઉપર મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.