ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં એક્શન ટેકન રીપોર્ટ અંગે વિવિધ રોડ ઉપર સ્ટ્રીપ મુકવા અંગે, જન જાગૃતી માટે કરવામાં આવતા વિવિધ કેમ્પો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જી. ટી .પંડ્યાએ જણાવ્યું હતું કે, શાળાના બાળકોને લઈ આવતા વાહનોમાં જરૂરી દસ્તાવેજાે, વાહનોની ફિટનેસ સહિત સલામતી જરૂરી પગલાં લેવામાં આવ્યા છે તેની ચકાસણી કરવી. ઉપરાંત હાઈવે ઉપર બ્લેક સ્પોટની ઓળખ કરી જરૂરી રિફલેક્ટર તથા સાઈન બોર્ડ લગાવવા અંગે સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ચોમાસાની ઋતુમાં ગામડાઓ સહિતના વિસ્તારોમાં આવેલ કોઝ-વે ઉપર પાણી ફરી વળતા હોય છે ત્યારે અકસ્માત નિવારવા માટે જરૂરી પગલાં લેવા અંગે સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જાેટાણીયા, નાયબ પોલીસ અધિક્ષક પરમાર, પ્રજાપતિ, એ.આર.ટી.ઓ. તલસાણીયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.