ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

0

મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઈનામ, એવોર્ડનું વિતરણ કરાયું

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે જ્ઞાતિના ધોરણ ૧ થી ૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ વિવિધ ડિગ્રી મેળવેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો દ્વારા “માં સરસ્વતી સન્માન સમારોહ”નું આયોજન રવિવારે સાંજે નવી લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૧૨ ના ઉચ્ચ ટકાવારી મેળવીને ઉત્તીર્ણ થયેલા કુલ ૨૬૭ વિદ્યાર્થીઓનું ઇનામ તેમજ પ્રમાણપત્રો સાથે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ્ઞાતિના આગેવાનો, ટ્રસ્ટીઓના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત ખંભાળિયાના મૂળ રહીશ અને ડોક્ટર, સી.એ., સી.એસ., આઈ.સી.ડબલ્યુ.એ., એન્જિનિયરિંગ, જેવા પ્રોફેશનલ કોર્સમાં સિદ્ધિ હાંસલ કરીને ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું નામ રોશન કરનારા તેમજ સરકારી નોકરીમાં પરમેનન્ટ થયા હોય તે તમામને પણ સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિમાં વધુમાં વધુ જ્ઞાતિજનો સહભાગી થાય તે માટે ખાસ ક્યુ.આર. કોડ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સાથે એજ્યુકેશન વિભાગમાં મહિલા કમિટીની પણ સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ શિક્ષણ સિવાયના અન્ય ક્ષેત્રોમાં પણ જ્ઞાતિના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ સેવા કાર્ય માટે શહેર તેમજ અન્ય વિસ્તારોમાંથી પણ જ્ઞાતિના અનેક દાતાઓનો સહયોગ નોંધપાત્ર બની રહ્યો હતો. આ સુંદર આયોજન માટે સંસ્થાના હોદ્દેદારો-કાર્યકરોની ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આવકારદાયક બની રહ્યો હતો.

error: Content is protected !!