કેસર કેરીની સિઝન હવે ધીમે- ધીમે પૂર્ણતાના આરે છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવકમાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત શહેરમાં ઠેર- ઠેર કેસર કેરીના સ્ટોલ નાખીને વેચાણ કરતા વેપારીઓે પણ સ્ટોલ સમેટી લીધા છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ફ્રૂટ વિભાગના હરેશભાઇ ગજેરાએ જણાવ્યું કે, યાર્ડમાં ધીમે- ધીમે કેસર કેરીની આવકમાં ઘટાડો થયો છે. શરૂઆત કરતા ૭૦ ટકા જેવી આવક ઘટી છે. મહિના દિવસ પૂર્વે જે ૧૫ થી ૨૦ બોક્સની બોક્સની આવક થતી હતી તે હવે ૨ થી ૩ હજાર બોક્સની થવા મંડી છે. હવે આગામી ૫ થી ૬ દિવસ સુધી જ યાર્ડમાં આવક થશે તેવું લાગી રહ્યું છે. યાર્ડમાં આવક ઘટવાની સાથે બોક્સના ભાવ પણ ઘટી ગયા છે.છેલ્લા બે દિવસની વાત કરીએ તો, તારીખ ૧૯ જૂન ને બુધવારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીના ૨,૧૮૦ બોક્સની આવક થઇ હતી જેમાં ૧૦ કિલોના ભાવ રૂપિયા ૪૦૦ થી ૮૦૦ની વચ્ચે બોલાયા હતા. જ્યારે તારીખ ૨૦ જૂનને ગુરૂવારે કેરીના ૩,૩૪૦ બોક્સની આવક થઇ હતી. ઉપરાંત શહેરમાં ઠેર- ઠેર કેસર કેરીના સ્ટોલ રાખી વેચાણ કરતા વેપારીઓ પણ સ્ટોલ સમેટવા લાગ્યા છે. આમ, હવે ગણતરીના દિવસો જ કેસર કેરીની સિઝન રહેનાર છે.