બીયુ સર્ટી. મુદ્દે જનરલ બોર્ડ સમક્ષ રજુઆત કરવા જતા પોલીસે અટકાવ્યા

0

જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં બી.યુ. સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે ટયુશન તથા શાળા સંચાલકો, વેપારીઓ રજુઆત કરવા દોડી આવ્યા હતા. સત્તાધિશોએ પોલીસને આગળ કરી જનરલ બોર્ડમાં રજુઆત કરવા જતા અટકાવતા વેપારીઓ અને ટયુશન સંચાલકો રોષે ભરાયા હતા. રાજકોટની ઘટના બાદ જૂનાગઢ શહેરમાં અનેક ટયુશન કલાસીસો, શાળા અને દુકાનોને બીયુ સર્ટી તથા ફાયર એનઓસી મુદ્દે સીલ મારી દેવાની કામગીરી ચાલી રહી છે. આ અંગે છેલ્લા કેટલાય દિવસોથી બીયુ સર્ટી મુદ્દે રજુઆતો કરવામાં આવતી હોવા છતાં મનપાના અધિકારીઓ કોઈ વાત સાંભળતા નથી. જેથી જનરલ બોર્ડ સમક્ષ આ મુદ્દે રજુઆત કરવા માટે આવેલા લોકોને પોલીસે અટકાવ્યા હતા. જેમાં ટયુશન સંચાલકો અને વેપારીઓની રજુઆત હતી કે, બીયુ સર્ટી જે તે બિલ્ડરે લેવાની હોય છે તેને બદલે દુકાનદારો પાસેથી બીયુ સર્ટી માંગવામાં આવે છે. જૂનાગઢમાં ૯૦ ટકાથી વધુ બિલ્ડીંગોમાં બીયુ સર્ટી માંગાવમાં આવે છે, જૂનાગઢમાં ૯૦ ટકાથી વધુ બિલ્ડીંગોમાં બી.યુ. સર્ટી નથી, મોટા બિલ્ડરોને બદલે નાના વેપારીઓને કનડગત કરવામાં આવી રહી છે. જાે બિલ્ડીંગનું બીયુ સર્ટી ન હોય તો આખી બિલ્ડીંગને સીલ મારવાને બદલે મનપાના અધિકારીઓ એક-બે દુકાનોને સીલ મારી સંતોષ માની લે છે. સીલીંગની કામગીરીથી અનેક લોકો ધંધા-રોજગાર વગરના બન્યા છે. આ અંગેની રજુઆત કરવા માટે આવેલા લોકોની માંગ હતી કે, મનપા દ્વારા સીલ ખોલી આપવામાં આવે અથવા જૂનાગઢના બીયુ વગરના તમામ બિલ્ડીંગોને સીલ કરી દેવામાં આવે અથવા મનપા દ્વારા અમોને નોકરી આપવામાં આવે અથવા પરિવાર સાથે જેલમાં પુરી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવતી હતી છતાં પણ પોલીસ દ્વારા રજુઆત કરવા આવેલા લોકોને શાસકોના ઈશારે જનરલ બોર્ડ સમક્ષ જવા દીધા નહી. રજુઆત કરવા આવેલા લોકોએ રોષભેર જણાવ્યું હતું કે, કયા કાયદામાં આવી જાેગવાઈ છે કે જનરલ બોર્ડમાં પ્રજાજનો રજુઆત કરવા માટે ન જઈ શકે ? અમોએ પણ મત આપ્યા છે, અમારો રજુઆત કરવાનો પણ અધિકારી નથી ? આવી અડધી કલાથી વધુ બબાલ કરવા છતાં પણ શાસકો સુધી રજુઆત કરવા જવા દેવામાં ન આવ્યા અંતે તેઓએ પદાધિકારીઓને પોતાની રીતે વ્યકિગત સંબંધના કારણે રજુઆત કરી સંતોષ માનવો પડયો હતો.

error: Content is protected !!