ટુર પેકેજનાં નામે ખાનગી તબીબ, તેના ભાઈ, મિત્ર સાથે બે લાખની છેતરપિંડી તિર્થ ટુરિઝમનાં માલિકે આચરી હોવાની રાવ થતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ નજીકના વડાલ ગામે બુટડી પ્લોટમાં રહેતા અને ગામમાં જ ક્લિનિક ચલાવતા ડોક્ટર જયકનકુમાર છગનભાઈ મોવલીયાને પરિવાર સાથે ફરવા જવું હોય મિત્ર પરેશભાઈ ગોરસીયાના કહેવાથી રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં રહેતા તીર્થ ટુરિઝમના માલિક અમિતભાઈ દિલીપભાઈ માણસોણીયાનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે એક વ્યક્તિનો રૂપિયા ૨૫૦૦૦નું જમવા રહેવા તથા આવવા જવા માટેની ફ્લાઈટ મનાલી તથા સીમલા ડેલહાઉસીનું પેકેજ હોવાનું જણાવ્યું હતું. આથી જયકન મોવલીયાએ તેમના મિત્રો સર્કલમાં ૪ પરિવારની ૧૬ ટીકીટ થતી હોય જેથી તેમણે આ શખ્સને ટુર પેકેજ અને પ્લેનની ટિકિટ માટે ૨૨ એપ્રિલના રોજ રૂપિયા ૬૦,૦૦૦ અને તેના મોટાભાઈ પરેશભાઈએ રૂપિયા ૪૦ હજારનું ગુગલ પે અને મિત્ર સુરેશભાઈએ રૂપિયા ૧ લાખનું આંગડિયું કર્યું હતું. જેના બીજા દિવસથી પ્લેનની ટિકિટ માગવાનું શરૂ કરતા અમિત મારસોણીયાએ જુદા જુદા બહાના બતાવી ટિકિટ કે પૈસા પરત નહીં આપતા જયકન મોવલીયાએ ગુરૂવારે ફરિયાદ કરતા જૂનાગઢ તાલુકા પોલીસે તિર્થ ટુરીઝમના માલિક અમિત વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.