માંગરોળ તાલુકાના ચંદવાણાની સીમમાં રહેતો એક યુવાન બહેનની પાછળ ફરતો હોવાની શંકા રાખી યુવતી તથા યુવતીના ભાઈ સહિતનાઓએ યુવાનને પકડી આંબાના ઝડા સાથે બાંધી લાકડી તથા ધોકા વડે બેફામ માર માર્યો હતો. જેમાં યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ અંગે ફરિયાદ થતા પોલીસે યુવતી સહિત પાંચ શખ્સો સામે હત્યા સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને ચાર શખ્સની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ તાલુકાના ચંદવાણાની સીમમાં રહેતી સંગીતાબેન કારાભાઈ ઘોસીયાના ખેતરમાં આવેલ મામાદેવના સ્થાનકે દિવાબતી કરવા જતી હતી ત્ય્રે વરજાંગ વીરા વાજા પણ ત્યાં દર્શન કરવા જતો હતો. આથી હરેશ કારા ઘોસીયા, જયેશ કારા ઘોસીયા, કારા અરજણ ઘોસીયા, સંગીતાબેન કારા ઘોસીયા અને સામત રાજા બજેઠીયાને વરજાંગ સંગીતાબેનની પાછળ ફરતો હોવાની શંકા હતી. આથી આ શખ્સોએ છેલ્લા ત્રણેક દિવસથી વરજાંગની પાછળ-પાછળ ફરતા હતા. ગત રાત્રે વરજાંગ રખડતો-ભટકતો મામાદેવના સ્થાનકે દર્શન કરવા જતા આ શખ્સોએ તેને પકડી અગાઉ કરેલા કાવતરા મુજબ દોરી વડે આંબાના ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ આ શખ્સોએ લાકડી તથા ધોકા વડે બેફામ માર મારતા તે લોહીલુહાણ થઈ ગયો હતો અને ઝાડ સાથે બાંધેલી હાલતમાં જ વરજાંગ વાજાએ દમ તોડી દીધો હતો. રાત્રીના ગામના આગેવાનોએ મૃતકના ભાઈ દિનેશભાઈને જાણ કરતા તે તથા તેના ભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા જયાં પોલીસ તથા ૧૦૮ હાજર હતી. વરજાંગના માથા તથા કાનમાંથી લોહી નીકળતા હતા. બંને હાથ-પગમાં ગંભીર ઈજાના નિશાન જાેવા મળ્યા હતા. યુવાનને મૃત જાહેર કરવામાં આવતા તેના મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો. આ અંગે દિનેશભાઈ વીરાભાઈ વાજાએ ફરિયાદ કરતા શીલ પોલીસે હરેશ કારા ઘોસીયા, જયેશ કારા ઘોસીયા, કારા અરજણ ઘોસીયા, સંગીતાબેન કારા ઘોસીયા અને સામત રાજા મજેઠીયા સામે હત્યા, ષડયંત્ર સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. મહિલા સિવાયના ચારેય આરોપીઓને પલીસે અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખી યુવાનને ઝાડ સાથે બાંધી બેફામ માર મારી હત્યા કર્યાની ઘટનાથી પંથકમાં ચકચાર વ્યાપી ગઈ છે.