જૂનાગઢ તાલુકાના એક યુવાનને હીસે(બ્લુ એન્ડ લાઇફ) નામની એપથી ફોન કરી વિશાલ ઉર્ફે વીડી રાયમલભાઇ લોલાડીયા(ઉ.વ.૨૧, રહે. જામનગર) નામના શખ્સે વીરપુર અને ગલીયાવાડ વચ્ચે નદીના પુલ નીચે લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાનું જણાવ્યું હતું. બાદમાં બીજા શખ્સો આવી ગયા હતા. તેઓએ યુવાનનું અપહરણ કરી માર મારી રૂપિયા લઇ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂા.૨૦ હજાર માંગ્યાની ફરીયાદ નોંધાઇ હતી. આ ગુનામાં અસ્લમ અબ્દુલભાઇ બુખારી(ઉ.વ.૨૯, રહે. જામનગર) નામનો શખ્સ જેલ હવાલે છે. આ શખ્સે પોતાની જામીન અરજીમાં એવી દલીલ કરી હતી કે, પોતે નિર્દોષ છે અને સીધી કે આડકતરી રીતે ગુનામાં ભાગ ભજવ્યો નથી. ખોટી રીતે સંડોવી દેવાયો છે. આની સામે સરકારી વકીલ દિપક સી. ઠાકરે એવી દલીલ કરી હતી કે, બીજા આરોપીઓની મદદથી આ શખ્સે ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે. જાે તેને જામીન ઉપર મુક્ત કરાશે તો કાયદાનો ડર રહેશે નહીં અને સમાજમાં આવા ગુના કરનારાને પ્રોત્સાહન મળશે. તે ફરિયાદી અને સાહેદોને યેનકેન પ્રકારે સંપર્ક કરી ધાક ધમકી આપી ડરાવવા-ધમકાવવા પ્રયાસ કરશે. આથી ચોથા એડીશનલ સેશન્સ જજ બીના સી. ઠક્કરે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.