વંથલીના ગાદોઈ ટોલનાકા ઉપર પોલીસ અધિકારી અને કર્મીઓ વચ્ચે થઈ બબાલ

0

ટોલનાકાના સંચાલક અને ટીસી ઉપર ર૦થી રર ઈસમોનો લોખંડના પાઈપથી હુમલો : હત્યાની કોશિષ, રાયોટીંગ, લૂંટનો ગુનો

ગઈકાલે બપોરે ૪ વાગ્યાના અરસામાં વંથલી નજીક આવેલ ગાદોઈ ટોલનાકાએ કોડીનારના પીઆઈ આર.એ. ભોજાણી સહિતના શખ્સોએ માથાકુટ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યાર પછી આ અંગે ફરિયાદ કરવા ગયેલા ટોલનાકાના ટીસી અને સંચાલક ઉપર ચાર જેટલી ગાડીઓમાં આવેલા રર જેટલા શખ્સોએ હુમલો કરીને લૂંટ કર્યાનું સામે આવતા પોલીસે પીઆઈ સહિત રર જેટલા શખ્સો સામે રાયોટીંગ, હત્યાની કોશિષ, લૂંટનો ગુનો દાખલ કરીને પકડવા માટે ટીમો દોડાવી છે. આ અંગે મળતી વિગત અનુસાર, વંથલી નજીકનું ગાદોઈ ટોલનાકુ ફરી ચર્ચાનો વિષય બન્યું છે. અહીંયા પોલીસ અધિકારી અને ટોલ કર્મીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં બે ટોલ કર્મીને ઈજા પહોંચતા જૂનાગઢ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ગાદોઈ ટોલનાકા સંચાલક તરીકે ફરજ બજાવતા રાજેશ છૈયાએ કહ્યું હતું કે, એક કાળા કલરની કાર આવી અને કાર્ડ બતાવવા મુદ્દે ટીસી સાથે રકઝક થઈ હતી અને કોડીનાર પીઆઈ ભોજાણીએ બે વ્યકિતને રિવોલ્વર બતાવી બુથમાંથી બહાર કાઢી કારમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો અને ટોળુ ભેગુ થઈ જતા રકઝક થઈ હતી. બાદમાં અમે પોલીસને જાણ કરતા પીએસઆઈ રાણા ટોલનાકા ઉપર આવ્યા હતા અને મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તમે આવો આપણે શું હતું તેમના સીસીટિવી ચેક કરી લઈએ. જેથી અમે બંને ટોલનાકે જતા હતા અને રસ્તામાં ત્રણ- ચાર કારમાં આવેલા ર૦થી રર જેટલા શખ્સોએ અમનોે આંતરીને લોખંડના પાઈપ વડે હુમલો કરીને મોબાઈલ લૂંટીને માર માર્યો હતો. જેથી અમોને હાલ જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ હૂમલામાં રાજેશ છૈયા અને ટોલ કર્મી ભાવેશ ટાટમિયાને ઈજા પહોંચી હતી. આ બનાવને લઈ વંથલી પોલીસે આગળની ધોરણસરની વધુ તપાસ હાથ ધરી છે. એસપી હર્ષદ મહેતાએ કહ્યું હતું કે, હાલ ફરિયાદીની ફરિયાદ ઉપરથી પીઆઈ ભોજાણી સહિતના ર૦થી રર જેટલા શખ્સો સામે વંથલી પોલીસમાં રાયોટીંગ, હત્યાની કોશિષ, લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી પીઆઈ હોવાથી કેસની ગંભીરતાને ધ્યાને લઈને ડીવાયએસપી, જૂનાગઢ એસઓજી, એલસીબી, વંથલી પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

error: Content is protected !!