ઘડી કંપની દ્વારા ૭૫૦ શૈક્ષણિક કીટ, ૨૨૦૦૦ બુક્સનું વિતરણ
દ્વારકા નજીકના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ.(ઘડી) કંપની દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી – મધુબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ દરમ્યાન “શિક્ષણનો પ્રકાશ, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય” ની વિચારધારા સાથે ૭૫૦ જેટલી શિક્ષણ કીટ અને ૨૨,૦૦૦ જેટલી નોટ બુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકામાં આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીની સામાજિક સેવા પ્રવૃત્તિના ભાગરૂપે તાજેતરમાં જિલ્લાના કલ્યાણપુર બી.આર.સી. અંતર્ગતની શાળાઓ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં આવેલી શાળાઓમાં ૭૫૦ શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બોટલ, પેન, પેન્સિલ, નોટબુક, રબ્બર, ઇરેઝર વગેરે શિક્ષણ ઉપયોગી ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ેંજી- જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સચિવાલય- ગાંધીનગરના ઈલાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, બી.આર.સી. ભવનના અધિકારીઓ તથા શાળાઓના આચાર્ય દ્વારા કંપનીની આ સરાહનીય સેવા પ્રવૃત્તિ બદલ અભિનંદન આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ છે કે આ સાથે આર.એસ.પી. એલ. ઘડી કંપની દ્વારા આ વિસ્તારની ૪૦ થી વધુ શાળાઓમાં આશરે ૨૨,૦૦૦ જેટલી નોટબુકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમ્યાન સ્થાનિક અધિકારીઓ, આગેવાનો, શાળાના સંચાલકો તથા બાળકો અને વાલીઓ દ્વારા સામાજિક કાર્યોમાં સક્રિય રહીને શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવા બદલ કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.