હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ શ્રીમતી સુનિતા અગ્રવાલ દ્વારા સમગ્ર રાજ્યમાં વૈવાહિક વિવાદોના ત્વરિત, ખર્ચ રહીત નિવારણ માટે પ્રિ-લિટીગેશન લોક અદાલતની રાજ્યના દરેક જિલ્લામાં શરૂઆત કરવામાં આવી છે. જે મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડી.એલ.એસ.એ.ના ચેરમેન શ્રી એસ.વી. વ્યાસના માર્ગદર્શન હેઠળ આ પ્રિ-લિટીગેશન લોક અદાલતની ખંભાળિયામાં શરૂઆત કરવામાં આવી છે.
હાલના સમયમાં દંપતીને યોગ્ય રીતે કાયદાકીય રીતે ન્યાયાધીશ કક્ષાના અધિકારી તથા ટ્રેઈન્ડ મીડિયેટર દ્વારા સમજવામાં આવે તો તૂટવાના આરે આવી ગયેલા સંબધો પણ ફરીથી નવપલ્લીત થતાં હોય છે. હાલ જુલાઈ માસમાં આવા વૈવાહિક દંપતિ દ્વારા એક બીજા પર શંકા-કુશંકા કરવી, શારીરિક અને માનસિક ત્રાસ આપવો, ભરણ પોષણની રકમ અંગેના વિવાદ બાબતના કેસો, વિગેરે જેવી જુદી જુદી તકરારો અંગે ખંભાળિયા ખાતે ચાલતી “ઉજાસ – એક આશાની કિરણ” પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા. જેમાં પક્ષકારોને નોટિસ કરી, લોક અદાલતની બેન્ચ સમક્ષ બોલવામાં આવ્યા હતા.
જેમાં મેમ્બર્સ તરીકે સેવા આપતા એમ.આર. શુક્લા, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચેરમેન, કીર્તિદાબેન, પી.એલ.વી. દ્વારા તથા ડી.એક.એસ.એ. કચેરીના હકારાત્મક અપ્રોચથી વિવાદગ્રસ્ત દંપતિઓનું વારાફરતી તથા સયુંકત કાઉન્સિલિંગ કરી, કુલ ચાર દંપતિને સમાધાન માટે તૈયાર કર્યા હતા. આમ, જુલાઈ માસના ફક્ત દસ જ દિવસમાં ચાર કેસમાં સુખદ સમાધાન થયા છે.
પ્રિ-લિટીગેશન લોક અદાલત દ્વારા પક્ષકારોને તકરાર અંગે કાનૂની કાર્યવાહી કરતા પહેલાં શાંતિપૂર્ણ અને અસરકારક નિરાકરણની સુવિધા આપવાનો પ્રયાસ કરે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગુપ્તતા જાળવવામાં આવે છે અને કોઈપણ પક્ષની સંવેદનશીલ માહિતી જાહેરમાં જાહેર કરવા દબાણ કરવામાં આવતું નથી. જેથી દંપતીની વૈવાહિક તકરાર આગળ વધે અને મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા સજાવટના માધ્યમથી વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે.