ખંભાળિયાના પોલીસ કર્મીએ રીક્ષા ચાલકને અટકાવતા ત્રણ શખ્સોએ સ્ટાફ સાથે કરી ઝપાઝપી

0
મારી નાખવાની ધમકી આપીને આપઘાતનો પ્રયાસ કર્યો
ખંભાળિયા શહેરની મધ્યમાં ટ્રાફિકથી વ્યસ્ત એવા નગર ગેઈટ વિસ્તારમાં ફરજ પર રહેલા પોલીસ કર્મચારીએ એક રીક્ષા ચાલકને અટકાવતા તેણે અન્ય બે શખ્સોની મદદથી પોલીસ તેમજ સાથે રહેલા ટી.આર.બી.ના સભ્ય સાથે ગાળાગાળી અને બબાલ સર્જી હતી. આ પછી આરોપીએ પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી તેમનું નામ લખીને આપઘાત કરવાની કોશિશ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
        આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં રહેતા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દેવરાભાઈ ભોજાભાઈ પંડત (ઉ.વ. 33) નામના પોલીસ કર્મી શુક્રવારે સવારના સમયે અહીંના ટ્રાફિકથી વ્યસ્ત એવા રામનાથ મંદિર વિસ્તારમાં તેમની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન આ રસ્તા પરથી સચિનગીરી ઈશ્વરગીરી ગોસ્વામી નામનો શખ્સ તેમની રીક્ષા લઈને નીકળ્યો હતો.
       અહીં પોલીસે તેને અટકાવી અને ડ્રાયવિંગ લાયસન્સ તથા જરૂરી દસ્તાવેજોની માંગણી કરતા આરોપી સચિન સાથે રહેલા અન્ય બે શખ્સો ઈશ્વરગીરી પ્રતાપગીરી ગોસ્વામી અને મુકેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી ઉશ્કેરાઈ ગયા હતા. આ ત્રણેય શખ્સોએ આરોપી પાસે ડ્રાયવિંગ લાયસન્સ નહીં હોવાનું કહેતા પોલીસ કર્મી દેવરાભાઈ પંડતએ હાજર દંડ ચૂકવવાની વાત કરી હતી. પરંતુ આરોપીઓએ દંડ ભરવાની ના કહી, ઉશ્કેરાઈને ફરજ પરના સ્ટાફને બિભત્સ ગાળો કાઢી તેમને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.
       આટલું જ નહીં, આરોપી સચિને ફરજ પર રહેલા ટી.આર.બી.ના જવાન લગધીરસિંહ કનકસિંહ જાડેજા સાથે પણ ઝપાઝપી કરી અને ફરજમાં રૂકાવટ કરી હતી. આટલું જાણે ઓછું હોય તેમ આરોપીએ અહીં રહેલી એક દુકાનના લાકડાના દરવાજામાં પોતાનું માથું પછાડી અને આપઘાત કરવાની કોશિશ કરી હતી. આ પછી પોલીસ દેવરાભાઈનું નામ લખી આપઘાત કરી લઈ, તેમને હેરાન કરી મૂકશે તેમ પણ જણાવ્યું હતું.
      આમ, પોલીસ ફરજમાં રૂકાવટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપીને એક બીજાને મદદગારી કરવા સબબ ખંભાળિયા પોલીસે એ.એસ.આઈ. દેવરાભાઈ પંડતની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
error: Content is protected !!