ખંભાળિયામાં “એક પેડ માં કે નામ”ઃ ૨૦૦ જેટલા વૃક્ષોનું એક સાથે વાવેતર કરાયું

0

પ્રકૃતિની રક્ષા અર્થે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાણવડની મામલતદાર કચેરી ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓએ મળીને ૨૦૦ જેટલા વૃક્ષોનું એક સાથે વાવેતર કર્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યારે પ્રકૃતિનું રક્ષણ કરવા માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે. પરંતુ માત્ર વૃક્ષનું વાવેતર જ નહીં પરંતુ તેનું જતન કરવું પણ ખૂબ જ આવશ્યક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે “એક પેડ માં કે નામ” અભિયાન શરૂ કરાવ્યું અને દરેક નાગરિકોને પોતાના માતાને સમર્પિત એક વૃક્ષ વાવવા આહવાન કર્યું છે. માત્ર વન વિભાગ જ નહીં પરંતુ જાે દરેક નાગરિક જાેડાઈને વૃક્ષનું વાવેતર કરે અને તેનું જતન કરે તો અવશ્ય આપણે હરિયાળું ગુજરાત બનાવી શકશું. દ્વારકાથી સોમનાથ કોસ્ટલ હાઈવેની બન્ને બાજુ વન વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે આશરે ૪૦ હજાર જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ આપણા ઘરે, ગામમાં, ખેતરના શેઢે, જાહેર સ્થળોમાં વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવાની તેમણે અપીલ કરી હતી. સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી નવીન બૈડીયાવદરા દ્વારા તેમજ આભારવિધિ આર.એફ.ઓ. પટેલ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!