જે દેશમાં સર્જકોનું સન્માન થાય તે દેશ, તે દેશ- રાજ્ય હંમેશા પ્રગતિ કરે : શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર, શિક્ષકનું કર્તવ્ય સમાજ નિર્માણ માટેનું શ્રેષ્ઠ કર્તવ્ય : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
શિક્ષકો સમાજના ઉત્તમ ઘડવૈયા છે. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને ગુજરાત સરકાર દર વર્ષે તા. ૫ મી સપ્ટેમ્બર એટલે કે ‘શિક્ષક દિવસે’ તેમની ઉત્તમ કામગીરી માટે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરે છે. આ વર્ષે એવોર્ડ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૨૮ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ આ શિક્ષકો મિત્રો સાથે વિચાર ગોષ્ઠી યોજી હતી. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત થનાર તમામ શિક્ષકોને અભિનંદન આપતાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, જે દેશમાં સર્જકોનું સન્માન થાય તે દેશ, તે રાજ્ય હંમેશા પ્રગતિ કરે છે. વિદ્યાર્થીઓમાં રહેલી તમામ કલાઓને ખીલવવાનું કામ શિક્ષક કરે છે. શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોની કામગીરીને સુવાસ માત્રા તેમના શાળાઓ પુરતી સીમિત ન રહે પરંતુ તેમની કામગીરીની સુવાસ સમગ્ર રાજ્યમાં ફેલાય તેવા ઉમદા આશય સાથે રાજ્ય સરકાર આ એવોર્ડ એનાયત કરે છે. એક શિક્ષકે બાળકને માતાની મમતા અને પિતાનો પ્રેમ આપવાનો હોય છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસોથી થઈ રહેલી અતિવૃષ્ટિના કારણે અનેક બાળકોના પુસ્તકો પાણીમાં પલળવાથી બગડી ગયા છે જેનો ઝડપથી સર્વે કરી તમામ શાળાઓમાં પુસ્તકો પહોચાડવામાં આવશે. અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં પણ શિક્ષકો પોતાના વિસ્તારમાં જઈને જનસેવાના કાર્યમાં જાેડાયા હતાં તેમની કામગીરીને પણ મંત્રીએ બિરદાવી હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, જાે કોઈ સમાજમાં શિક્ષકને સર્વશ્રેષ્ઠ સન્માન મળે છે ત્યારે જ તે સમાજ જ્ઞાની ગણાય છે. એક શિક્ષકનું કર્તવ્ય સમાજ નિર્માણ માટેનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે અને તેમને ભગવદ્ ગીતાનું મહત્વ સમજવું ખૂબ જરૂરી છે તેવા આશા સાથે જ રાજ્ય સરકારે બાળકોના શિક્ષણમાં ભગવદ ગીતાનો સમાવેશ કર્યો છે. જેથી એક બાળક શિક્ષણની સાથે સાથે ભવિષ્યમાં ઉપયોગી એવા જીવનના પાઠ પણ ભણી શકે. મંત્રીએ ઉમેર્યું હતું કે, દરેક નાગરિકે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપવું જાેઈએ. રાજ્યના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના હિત અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે કરવામાં આવતા શ્રેષ્ઠ કાર્યને બિરદાવા માટે આ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડથી દરેક શિક્ષકની શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે પ્રોત્સાહન મળશે. આ પ્રસંગે પ્રાથમિક, માધ્યમિક અને આચાર્ય કેટેગરીમાં પસંદગી પામનાર શિક્ષકોએ પોતાના પ્રતિભાવ વર્ણવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના નિયામક શ્રી વિનયગિરિ ગોસાઈએ શાબ્દિક સ્વાગત તથા નાયબ નિયામક હર્ષદભાઈ ચૌધરીએ આભારવિધિ કરી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના અધિકારીઓ, કર્મચારીઓ તથા શિક્ષકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.