ખંભાળિયાના ગ્રામ્ય રહેણાંક વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : એલસીબી પોલીસે કોલવાના શખ્સને દબોચી લીધો

0

અગાઉ પણ નકલી પોલીસ બનીને રૂપિયા પડાવ્યા હતા… 

ખંભાળિયા તાલુકાના કોલવા ગામની સીમમાં રહેતા એક આસામીના મકાનમાં ભર બપોરે થયેલી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ વિગેરે મળી કુલ રૂપિયા ૫.૧૦ લાખની ચોરી પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી, અને આ પ્રકરણમાં ચોરી કરવાની ટેવ ધરાવતા કોલવા ગામના શખ્સ સામત ઉર્ફે કારો કરંગીયા આહીર શખ્સને દબોચી લીધો હતો. આ સમગ્ર બનાવવાની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા નગાભાઈ રણમલભાઈ નંદાણીયા નામના ૩૬ વર્ષના યુવાન તેમની પુત્રીને જામનગર ખાતે હોસ્ટેલમાં મૂકવા ગયા હતા, તે દરમિયાન તેમના ઘરમાં તા. ૩૧ ઓગસ્ટના રોજ સવારે ૧૦ વાગ્યાથી ૮ સપ્ટેમ્બરના સવારે ૯ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી, અને સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂા.૫.૧૦ લાખના મુદ્દામાલની ચોરી થયાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચનાથી સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ વિવિધ દિશાઓમાં તપાસ આરંભવામાં આવી હતી. આ પ્રકરણમાં એલ.સી.બી. પી.આઈ. આકાશ બારસીયા, એસ.એસ. ચૌહાણ તેમજ પી.જે. ખાંટની ટીમ દ્વારા વર્કઆઉટ બાદ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, સજુભા જાડેજા, ખીમાભાઈ કરમુર તથા સહદેવસિંહ જાડેજાની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક યુવાન ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામ તરફથી ખંભાળિયા તરફ સોનાના દાગીના વેચવા આવી રહ્યો હોવાની માહિતી પરથી આ માર્ગ પરથી પસાર થતા જી.જે. ૧૦ એ.એલ. ૨૨૯૭ નંબરના હીરો પેશન મોટરસાયકલ પર જતા એક શખ્સને એલસીબી પોલીસે અટકાવ્યો હતો. આ શખ્સની પોલીસ દ્વારા આગવી ઢબે કરવામાં આવેલી પૂછપરછમાં કોલવા ગામના વાડી વિસ્તારમાં રહેતા સામત ઉર્ફે કારો ગોવિંદભાઈ કરંગીયા નામના ૨૪ વર્ષના આહિર શખ્સ દ્વારા થોડા દિવસો પૂર્વે કોલવા ગામના નગાભાઈ નંદાણીયાના રહેણાંક મકાનમાં તેણે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે ઉપરોક્ત શખ્સ પાસેથી સોનાનું મંગલસૂત્ર, સોનાનો ચેન, સોનાની બુટ્ટી, પેન્ડલ તેમજ બે નંગ મોબાઈલ ફોન અને ચોરીના રૂ. ૧.૮૧ લાખ રોકડા ઉપરાંત રૂ. ૪૦ હજારની કિંમતનું મોટરસાયકલ મળી કુલ રૂ. ૫.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરી, વિધિવત રીતે તેની અટકાયત કર્યા બાદ વધુ તપાસ અર્થે તેનો કબજાે ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. વધુમાં જાહેર થયેલી વિગત મુજબ બંધ મકાનમાં રેકી કરી અને બપોરના ભાગે ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતો આરોપી સામત ઉર્ફે કારો ગોવિંદ કરંગીયા અગાઉ નકલી પોલીસ બનીને રોફ જમાવતા, રૂપિયા પડાવતા પણ ઝડપાઈ ગયો હતો. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, અરજણભાઈ ચંદ્રવાડીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, હરપાલસિંહ જાડેજા, અરજણભાઈ મારુ, ડાડુભાઈ જાેગલ, ખીમાભાઈ કરમુર, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, સચીનભાઈ, ક્રીપાલસિંહ, નરશીભાઈ, ધર્મેન્દ્રસિંહ, હસમુખભાઈ અને વિશ્વદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!