કેશોદમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ એટલે અનંતચતુર્દશીના રોજ ગણેશોત્સવના ૧૦ દિવસોમાં ભક્તો બાપ્પાને અનેક પ્રકારનાં પકવાનનો ભોગ ધરાવીને આસ્થાભેર પુજા અર્ચના કરવાની સાથે સાથે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી ધામધૂમથી ગણેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને દસ દિવસ બાદ ખૂબ જ ધામધૂમથી ગણેશજીને વિસર્જિત કરવામાં આવ્યું હતું . આ વખતે બાપ્પાને વિસર્જિત કરવાનો દિવસ અનંત ચતુર્દશી તારીખ ૧૭મી સપ્ટેમ્બર ના રોજ ગણેશ સ્થાપનાની જેમ વિસર્જન પણ ખૂબ ધામધૂમથી કરવા માટે ડીજે ના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવાની સાથે અબીલ ગુલાલ ઉડાવી આવતાં વર્ષે વહેલા વહેલા પધારવાનું નિમંત્રણ આપી વિદાય આપવામાં આવી હતી. કથા અનુસાર જે દિવસે ગણેશજીએ મહાભારત લખવાની શરૂઆત કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો. ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દશી તેમનું વિસર્જન કરવામાં આવે છે.એવું પણ કહેવાય છે કે છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. ૧૦ દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળી ને એટલા ગરમ થઈ જાય છે કે અનંતચતુર્દશીના રોજ પવિત્ર નદીઓ કે સરોવર દરિયામાં વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે. વિસર્જન સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ પાણીમાં વિલીન થવું થાય છે. આ સન્માન સૂચક પ્રક્રિયા છે એટલે ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવેલી મૂર્તિઓને વિસર્જિત કરીને તેમને સન્માન આપવામાં આવે છે. વિસર્જનની ક્રિયામાં મૂર્તિ પંચતત્ત્વમાં સમાહિત થઇ જાય છે અને દેવી-દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે.કેશોદ શહેર અને તાલુકામાં વહેલી સવારથી જ ગણપતિ બાપાનું ધામધૂમ પૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આજે અનંત ચૌદશ એટલે કે ગણેશ વિસર્જનનો દિવસ ભક્તોએ ગણેશજીની દશ દિવસ સુધી પૂજા અર્ચના કરી અને આજે ગણપતિ બાપાને આંખો ભીની વિદાય આપી રહ્યા છે. લોકોએ જાહેરમાં દૂંદાળા દેવને દશ દિવસ સુધી વિશિષ્ટ અતિથિ તરીકે બનાવ્યા હતા. શહેરમાં નાના મોટા મંડપ ભંડારો સોસાયટી ફ્લેટ ઘરમાં ગણેશજીની સ્થાપના કરી હતી. કેશોદ શહેર તાલુકામાં વિવિધ યુવક મંડળ, સત્સંગ મંડળ અને વિવિધ ગૃપ દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરી ધામધૂમથી ગણેશોત્સવ ઉજવી આજે ભાવવિભોર બની ગણપતિ દાદાની મહાઆરતી કરી વિદાય આપી હતી ત્યારે સમગ્ર પંથકમા ભક્તિમય વાતાવરણ બની ગયું હતું.કેશોદ શહેર તાલુકામાં કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર પી. એ. જાદવ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.