ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાંથી એક મહિલાનો ૧૮૧માં ફોન આવેલ કે મારા પતિ અને સાસરીવાળા માનસિક ત્રાસ આપી મને કાઢવા માંગે છે. જેથી તમારી મદદની જરૂર છે. આટલું જણાવતા ફરજ ઉપર હાજર રહેલ કાઉન્સેલર મનિષા ધોળીયા અને કોન્સ્ટેબલ વર્ષાબેન તેમજ પાઇલોટ રમેશભાઈ સ્થળ ઉપર પહોંચી ગયા અને પીડિતાને મળ્યા. તેણે જણાવ્યું કે મારા લગ્નના ૪ વર્ષ થયા છે. હું બીજી વખત ગર્ભવતી બની છું. મારો આઠમો મહિનો ચાલુ છે. મારૂ પહેલું બાળક ગુજરી ગયું છે. તેના આક્ષેપ હજી સુધી મારા પતિ અને સાસુ સસરા કરે છે. તેમ છતાં મારો સંબંધ સાચવું છું. મારા સાસુ – સસરા અમારી બાજુમાં સાથે રહે છે. મારા પતિ થોડા સમયથી કેફી પદાર્થનું સેવન કરે છે. જેથી તને સમજાવવા માટે મારા સાસુ સસરાને કહેલું તો તે મારા ઉપર આરોપ નાખે છે કે તું ચડાવે છે. મારા સાસુ સસરા અવારા નવાર મને સંભરાણી કરતા હોય છે મારા પિયર પક્ષ વિરૂદ્ધ બોલતા હોય છે. મારા પતિ પણ મારૂ સાંભળતા નથી અને બધા ભેગા થઈ મને માનસિક ત્રાસ આપે છે. હું કંટાળી ગઈ છું. તમે મારા પતિને સમજાવો કે હવે પછી કેફી પદાર્થનું સેવન ના કરે અને મને બીજે કોઈ અલગ જગ્યાએ લઈ જાય અને મારી સારી સારવાર કરાવે. જેથી પીડિતાને પતિને મહિલાઓના કાયદા વિષે સમજ આપી. કાયદાનું ભાન કરાવ્યું અને એક ગર્ભવતી મહિલાની કેવી રીતના કાળજી લેવી, કેવું વાતાવરણ પૂરૂ પાડવું જોઈએ તે સમજ આપી. તેમજ તેના સાસુ સસરાને કાયદાથી માહિતગાર કર્યા. ત્યારબાદ પીડિતાના પતિએ તેની ગર્ભવતી પત્નીને યોગ્ય વાતાવરણ અને પૂરતી કાળજી રાખશે તેવી બાંહેધરી આપી હતી.