જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ખુલ્લી કરાયેલ જમીન ઉપર લોકોને પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ : પોલીસવડાએ ૧૦૨ એકર જગ્યાની સુરક્ષા માટે છાવણી ઉભી કરી પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત કર્યો
સોમનાથ મંદિર નજીક ચાલી રહેલા તંત્રના મેગા ડીમોલેશનની ૫૬ કલાકની કામગીરીના અંતે પૂર્ણ થયુ હોવાનું જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. આ ખુલ્લી કરાયેલ ૧૦૨ એકર સરકારી જમીન ઉપર ફરી દબાણ ના થાય તે માટે યુધ્ધના ધોરણે ફેનસિંગ કરવામાં આવ્યુ છે. આ જગ્યામાં ભવિષ્યમાં પ્રવેશ ઉપર પ્રતિબંધત્મક જાહેરનામું પ્રસિધ્ધ કરતા પોલીસ વિભાગે કાયમી માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધેલ છે. શનિવારે વ્હેલી સવારથી સોમનાથ મંદિર આસપાસ તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ૯ જેટલા ધાર્મીક (મસ્જીદ-દરગાહ) તથા ૪૫ પાકા મકાનોના દબાણો દુર કરવામાં આવ્યા હતા. બાદમાં દબાણોનો કાટમાળ દુર કરવાની કામગીરી ચાલી રહી હતી. દરમ્યાન સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવેલ કે, સતત ૫૬ કલાકની કામગીરી પછી સરકારી જમીન ઉપરથી તમામ ધાર્મિક સહિતના દબાણો દુર કરી તેનો કાટમાળ હટાવવાની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. આ ખુલ્લી થયેલ ૩૨૦ કરોડની ૧૦૨ એકર જમીન ઉપર ફરી દબાણો ન થાય તે માટે યુધ્ધના ધોરણે ફેનસિંગની બાઉન્ડરીની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.
જીલ્લા કલેકટરએ ડીમોલેશન કરેલ સરકારી જગ્યા ઉપર પ્રવેશ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુર્ં
તાજેતરમાં ડીમોલેશન કરાયેલ સરકારી જગ્યા ઉપર કોઈ વ્યકિતઓના પ્રવેશ કે દબાણ કરવાથી ઘર્ષણ, કોમી હિંસા, રમખાણો, તોફાનો થવાની સંભાવના જણાતી હોવાથી શાંતિ જાળવવા હેતુસર જીલ્લા મેજીસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર પ્રભાસપાટણના સરકારના સ.નં.૧૮૫૧ અને ૧૮૫૨ વાળી જમીન/મિલકત ઉપર કોઈ પણ ઈસમ/સંસ્થા/કંપનીએ પ્રવેશ કે દબાણ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૨ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ ઉપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ સ્ટાફને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.૩૦-૯-૨૪ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
તંત્ર દ્વારા કબ્રસ્તાનને સુરક્ષિત રાખવા બાઉન્ડરી વોલનું નિર્માણ કરાયું
આ ડીમોલેશનની કામગીરી દરમ્યાન દબાણોની બાજુમાં આવેલ કબ્રસ્તાનને નુકસાન ન પહોંચે તેની તંત્ર દ્વારા પુરી તકેદારી રાખવામાં આવી હતી. જેમાં અનઅધિકૃત ધાર્મિક દબાણોની નજીક આવેલ કબ્રસ્તાનની ફરતે ફેનસિંગ બાઉન્ડરી વોલના નિર્માણનું કાર્ય પણ યુધ્ધના ધોરણે હાથ ધરી સુરક્ષિત કરવામાં આવ્યું હતું.
સરકારી જગ્યાના રક્ષણ માટે છાવણી ઉભી કરી બંદોબસ્ત તૈનાત કરાયો
મેગા ડીમોલેશનમાં ખુલ્લી કરાયેલ ૧૦૨ એકર સરકારી જગ્યા ઉપર પ્રતિબંધ ફરમાવતું પ્રસિધ્ધ થયેલ જાહેરનામાની અમલવારી માટે સ્થળ ઉપર એક પોલીસ છાવણી ઉભી કરવામાં આવી છે. જેમાં રાઉન્ડ ધ કલોક સુરક્ષા જાળવવા માટે ૨૫ પોલીસ જવાનોનો સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો હોવાનું પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યુ છે.