જૂનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભવ્યાતિ ભવ્ય આગમન થયું

0

ગઈકાલે તા.૧-૧૦-૨૦૨૪ના રોજ જૂનાગઢ અક્ષરવાડી ખાતે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં બપોરે એક વાગ્યે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પરમ પાવન આગમન થઈ ચુક્યું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મુંબઈથી કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું અને ત્યાંથી પોલીસ પાયલોટ કારની દોરવણીએ કાર દ્વારા જૂનાગઢ અક્ષર મંદિર ખાતે પધાર્યા હતા. જ્યાં મુખ્ય દ્વારથી મદિંર સુધી બી.એ.પી.એસનાં શહેર તથા ગ્રામ્ય વિભાગનાં બાળકોએ કતારબદ્ધ ઊભા રહીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પુષ્પવર્ષાથી અને જયજયકારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મંદિરમાં ઠાકોરજી પોઢી ગયા હોઈ સીધા જ ગુણાતીત સભા મડંપમાં પધાર્યા હતા. જ્યાં સંતો હરિભક્તો ભાવિકોએ તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. મહંત સ્વામી મહારાજની ૯૧ વર્ષની આયુ પ્રમાણે કાર્યકર ભાઈઓ બહેનો દ્વારા રચિત ૯૧ ફૂટનો હાર સંતો તથા અગ્રણી કાર્યકરોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને ભાવથી પહેરાવ્યો હતો. આ હારની એ વિશષતા હતી કે સુંદર રંગીન કાગળોનાં મોટાં મોટાં પુષ્પો રચ્યાં હતા અને તે કાગળોમાં કાર્યકરોનાં નામ લખવામાં આવ્યાં હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં સુસ્વાસ્થ્ય તથા આગમન નિમિત્તે તેમના દર્શન ન થાય ત્યાં સુધી ૧૭૭ પુરૂષ હરિભક્તો તથા ૨૭૫ મહિલા હરિભક્તો તથા બાળ યુવા, યુવતીઓએ ભક્તિ ભાવથી સળંગ ત્રણ-ચાર દિવસના ર્નિજળ ઉપવાસ, એક બે મહિનાના ધારણા પારણા, સજળા ઉપવાસ વગેરે વ્રતો કરેલા હતા. તેમજ અન્ય ભક્તિ સબંધી નિયમોના પાઠ લીધા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમેના તપથી પ્રસન્ન થઈને ભક્તોના પારણા માટે લીંબુના શરબતમાં પુષ્પો વેરીને શરબત પ્રાસાદિક કર્યુ હતું. સૌ ભક્તોને મળીને પ્રસન્ન થયેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સહુને રૂડા આશીર્વાદ પાઠવતા કહ્યું હતું કે, અમે આવી ગયા છીએ. અહીં જ રહેવાના છીએ. બધાને મળીશું. અંત ભાગમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જૂનાગઢ શહેર ખાતેના કર્તવ્યનિષ્ઠ પત્રકાર બંધુઓને સ્ટેજ સમક્ષ બોલાવીને પૂજ્ય કોઠારી સ્વામી દ્વારા તેમનો પરિચય મળવ્યો હતો અને સહુ ઉપર સસ્મિત અમીદ્રષ્ટિ કરીને તેમને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. આજનો દિવસ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ માટે દાક્તરી સલાહ મુજબ વિશ્રામનો દિવસ હોવાથી સમગ્ર દિવસ તેમના દર્શન થશે નહીં. પરમ દિવસે તા.૩ના રોજ સવારે પોણા છ વાગ્યે તેમના પૂજા દર્શન થશે તથા સાયંસભામાં ‘સ્વાગત દિન’ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.

error: Content is protected !!