દ્વારકાધીશના દર્શને આવેલા આસામના યાત્રિકોને ફૂડ પોઈઝનિંગ : એકનું મૃત્યું, સારવાર હેઠળ

0

આસામથી દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે કેટલાક પરિવારજનો આવ્યા હતા. દ્વારકા ખાતે આવેલા આસામના યાત્રાળુ પરિવારમાં ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક યાત્રાળુનું મૃત્યું નિપજતા ભારે ચર્ચા જાગી છે. જાણવા મળતી વિગત મુજબ ગત તારીખ ૨૬ સપ્ટેમ્બરના રોજ આસામથી આશરે ૪૪ જેટલા શ્રદ્ધાળુ પરિવારજનો દ્વારકા આવ્યા હતા. જેઓએ દ્વારકાના એક આશ્રમમાં રોકાણ કર્યું હતું. જેમાંથી આશરે બે ડઝન થી વધુ યાત્રાળુઓને તારીખ ૨૭ ના રોજ ઝાડા-ઉલટી થઈ ગયા હતા. જેના કારણે તંત્ર દોડતું થયું હતું. આ પૈકી આઠ વ્યક્તિઓને જામનગર ખસેડવામાં આવ્યા હતા. જેમાં ઉધબ ચંદ્ર દાસ નામના આશરે ૬૦ વર્ષના એક પ્રવાસીનું મૃત્યુ નીપજ્યાનું જાણવા મળ્યું છે. મૃતક વ્યક્તિ ઉંમરલાયક હોય, તેમના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરવાની ના કહી હોવાનું પણ બિન આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અહીં બીમાર પડેલા એક મહિલાને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા હતા. આ બનાવ પછી દ્વારકામાં આવેલા પરપ્રાંતિય યાત્રાળુઓની પણ તપાસ કરાવી હતી અને આ બનાવ કેવી રીતે બન્યો તે અંગે તંત્ર દ્વારા જાણકારી મેળવવામાં આવી હતી. આ અંગે આસામના જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવતા આસામથી ખાસ ટીમ દ્વારકા આવી હતી અને મૃતદેહને ત્યાં લઈ જવા વ્યવસ્થા કરાવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્‌યા દ્વારા ટીમો મોકલીને દ્વારકામાં પાણી નમૂના લેવામાં આવ્યા છે. આ સાથે અન્ય હોટેલોમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ બનાવના પગલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી પણ ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ પણ ત્યાં પહોંચી હતી. આ પ્રકરણમાં જામનગરમાં પણ જ્યાં દર્દીઓ દાખલ થયા છે, ત્યાં આરોગ્ય અધિકારી તથા નાયબ મામલતદાર દોડી ગયા હતા. અહીં આસામની ભાષા જાણનાર એક એરફોર્સ અધિકારીની મદદ લઈને સમગ્ર વિગતોની જાણકારી તંત્ર દ્વારા મેળવવા વ્યવસ્થા કરવામાં આવી હતી. આસામથી એક સાથે આવેલા આ શ્રદ્ધાળુઓ પોતાની સાથે જ ભોજનનો સામાન લઈને આવ્યા હતા. તેમાંથી જ તેઓ જાતે રસોઈ બનાવતા હતા. જો કે આ આશ્રમમાં રહેનારા બીજા કોઈને ઝાડા ઉલટી કે ફૂડ પોઈઝનિંગની અસર ન થતા માત્ર આસામમાંથી આવેલા આ વ્યક્તિઓને આ અસર થઈ હોવાનું કહેવાય છે. જે અંગે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી તપાસ હાથ કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકાના અન્ય આશ્રમો અને હોટલોમાં પણ સધન તપાસ કરવામાં આવી છે.

error: Content is protected !!