સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર, બેટ દ્વારકાનો સુદર્શન સેતુ, ધોરડો રણોત્સવ, સ્મૃતિ વન – સાંસ્કૃતિક વનો બન્યા છે લોકપ્રિય પર્યટન સ્થળો : નવા પ્રવાસન સ્થળોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સ્થાનિક લોકોને આપી રોજગારી : હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો : રાજકોટ જિલ્લામાં નવનિર્મિત અટલ સરોવર, રામ વન, ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્કમાં આવે છે લાખો સહેલાણીઓઃ ખંભાલીડા, શકિતવન, ઓસમ ડુંગર, ઘેલા સોમનાથમાં પણ થયા છે અનેક વિકાસ કામો
દુનિયાભરમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરતા હોવાનું માનવામાં આવે છે. પરંતુ હવે ગુજરાતમાં દેશ અને વિદેશના પ્રવાસીઓ આવતા થયા છે. જેનું કારણ છે અનેક નવનિર્મિત આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન ધામો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના શાસનમાં ગુજરાતમાં અનેક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન ધામો બન્યા છે. જે ટૂંકા ગાળામાં પણ ખૂબ લોકપ્રિય પર્યટન સ્થળોમાં સ્થાન મેળવી શકયા છે. દેશ- વિદેશના પ્રવાસીઓ ખાસ આ સ્થળોની મુલાકાત લેવા આવે છે. જેનાથી ગુજરાતના પ્રવાસનને ખૂબ વેગ મળ્યો છે. તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સ્થાનિક લોકોને રોજગારી મળતી રહી છે. હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટેશન સહિતના વ્યવસાયો ફૂલ્યો ફાલ્યો છે. આ સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ, દ્વારકા – બેટ દ્વારકા (સુદર્શન સેતુ), ધોરડો રણોત્સવ, અસંખ્ય સાંસ્કૃતિક વનોનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો નવનિર્મિત અટલ સરોવર, રામ વન, ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક , શકિતવન વગેરેમાં લાખો સહેલાણીઓ આવે છે. તો ખંભાલીડા, ઓસમ ડુંગર અને ઘેલા સોમનાથમાં અનેક વિકાસકામો પ્રવાસીઓને ધ્યાને લઇ કરવામાં આવ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખાતમુહૂર્ત અને લોકાર્પણ બંને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ કર્યાં હતા. રાજ્યનું એકતા નગર અને રાષ્ટ્રની એકતાના શિલ્પી અને રાજ્યના ગૌરવવંતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે પ્રખ્યાત છે. ૧૮૨ મીટરની ઉંચાઈ ધરાવતી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને નિહાળવા દેશ-વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પધારે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં દેશભરના અનેક ખેડૂતોનું યોગદાન છે, જેમણે નાના-મોટા, જૂના ઓજારોને દાન કરીને સહયોગ કર્યો છે. આ સ્મારકનો ખુબ જ મોટા વિસ્તારમાં વિસ્તરેલ અને કૃત્રિમ તળાવથી ઘેરાયેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંગ્રહાલયનુ પણ નિર્માણ કરવામાં આવેલ છે જેમાં દેશની આઝાદીમાં સરદાર સાહેબની મહત્વપૂર્ણ સુવર્ણ ઇતિહાસ અને રજવાડાઓના ત્યાગને ઉજાગર કરવામાં આવ્યો છે.
શિવરાજપુર
દ્વારકાથી ૧૨ કિમીના અંતરે આવેલ શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બ્લુ ફલેગનો દરરજાે પ્રાપ્ત થયો છે. ઓક્ટોબર ૨૦૨૦માં ડેનમાર્ક સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા તેને પ્રતિષ્ઠિત ‘બ્લુ ફ્લેગ બીચ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તે સફેદ રેતીનો બીચ છે જે નિસ્તેજ સાફ પાણી ધરાવે છે. અહી અનેક વોટર એકટીવીટી પણ થાય છે.
સુદર્શન સેતુ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશ કલગીમાં ઉમેરાયેલું વધુ એક નવું મોરપીંછ એટલે સુદર્શન સેતુ. દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુ જે ઓખા અને બેટ-દ્વારકાને જાેડે છે. આ સેતુ પર વ્યુઈંગ ગેલેરી, ભગવદગીતાના શ્લોક, મોર પંખ, ફૂટ પાથ સહિત અનેક સુવિધાઓ આકર્ષણનું કેન્દ્ર છે. બ્રીજની લંબાઇ ૨૩૨૦ મીટર છે, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે.
કચ્છ રણોત્સવ
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ધોરડોમાં રણોત્સવ શરૂ કરાયો હતો. અભિનેતા અમિતાબ બચ્ચન ‘ખુશ્બુ ગુજરાત કી, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ નું બ્રાંડિંગ કર્યુ હતું. પ્રતિ વર્ષ દેશ- વિદેશમાંથી પ્રવાસીઓ કચ્છના રણને જાેવા અને માણવા આવતા હોય છે. રાજય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અહી રણોત્સવ ઉજવાય છે. અનેક કાર્યક્રમો થાય છે. અધિકારીઓની ચિંતન શિબિરો પણ અહીં થઇ હતી.
સ્મૃતિ વન
વર્ષ ૨૦૦૧માં કચ્છ ખાતેના ભૂકંપમાં જીવ ગુમાવનારાઓની સ્મૃતિમાં આ વિશેષ વનનું નિર્માણ કરાયું છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ૪૭૦ એકરમાં બનેલું આ વન કચ્છના ભુજિયા ડુંગર ખાતે રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનેલું છે. સ્મૃતિ વન ભારતનું સૌથી મોટું ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમ છે. અહીં મિયાવાકી પદ્ધતિથી ૩ લાખ જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. ૫૦ ચેકડેમનું પણ અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. રિયલટાઈમ ભૂકંપનો અનુભવ કરાવતુ ખાસ થિયેટર વનની થીમ છે. ૧ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, ત્રણ હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, ૩૦૦થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, ૩ લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.અહીં એક વિશેષ થિયેટર છે કે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી ભૂકંપનો અનુભવ કરાવવામાં આવે છે. ૩૬૦ ડિગ્રી પ્રોજેક્શનથી તેની અનુભૂતિ કરાવવામાં આવે છે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોકમાં ઐતિહાસિક હરપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલીન સ્થિતિ અંગે કન્ટ્રોલ રૂમ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું છે.
ગાંધી મ્યુઝિયમ
ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. રાજકોટ આવનારા દરેક પ્રવાસીઓએ એકવાર અચૂકપણે મુલાકાત લેતા હોય છે તેવા આંતર રાષ્ટ્રિય ગાંધી મ્યુઝિયમ અગાઉ આલ્ફ્રેડ હાઇસ્કુલ હતી. અસંખ્ય વિધાર્થીઓ અહીંથી શિક્ષણ પ્રાપ્ત કરી ચૂકયા હતા. જેમાના ગાંધીજીનો પણ સમાવેશ થાય છે. પૂ. બાપુએ અહીં સાત વર્ષ અભ્યાસ કરીને મેટ્રિક થયા હતા. રજવાડાના સમયમાં અંગ્રેજી બનાવટ (બ્રિટિશ સ્થાપત્ય પ્રમાણે)ની બનેલી આ સ્કુલની બનાવટ ઉત્તમ કારીગરીનો નમૂનો છે જે જાેવાલાયક છે. આ મ્યુઝિયમના ઓરડાઓમાં ગાંધીજીના જીવનનું વર્ણન કરતા અસંખ્ય લેખ, સર્ટિફિકેટ્સ, સ્લાઇડ્-શૉ, પુતળાઓ, લેખો દર્શાવવામાં આવ્યા છે. સાંજે આ મ્યુઝિયમના પરિસરમાં યોજાતો લાઇટ શો પણ જાેવાલાયક છે.
રામવન
રાજકોટ ખાતે ૪૭ એકર જમીનમાં બનેલ રામવન અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ભગવાનશ્રી રામના જીવન ચરિત્ર પર આધારિત વિવિધ પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે. આ વનમાં ૮૦ હજાર જેટલી પ્રજાતિઓ ૨૫ બ્લોક પ્લાન્ટેશન જેમાં બે બ્લોકમાં મીયાવાકી થીમ બેઇઝ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. બે તળાવ, ચિલ્ડ્રન પ્લે એરિયા, રામસેતુ અને એડવેન્ચર બ્રીજ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઇતિહાસ, જ્ઞાન અને મનોરંજનવાળું વનને અર્બન ફોરેસ્ટ રામવન તરીકે ઓળખવામાં આવે છે.
શકિતવન(કાગવડ)
વન વિભાગ દ્વારા વિરપુરથી ૧૧ કિલોમીટર દૂર, હાલના ખોડલધામ પાસે શક્તિ વનનું નિર્માણ થયું હતું. જેનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયું હતું. આ પણ એક સુંદર પર્યટન સ્થળ પ્રહલાણીઓને મળ્યું છે.
ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવેલી આ ગુફાની દેખરેખ ગુજરાત સરકારનું પુરાતત્વ ખાતું કરે છે. અહીં સ્થિત ત્રણ ગુફાઓ ચૂનાના ખડકોમાં કોતરીને બનાવવામાં આવી છે. જેમાંની મધ્યની ગુફા સ્તૂપ ધરાવે છે, જે ચૈત્ય ગુફા તરીકે ઓળખાય છે. ચૈત્ય ગુફાની બંને બાજુ બોધિસત્વની મૂર્તિઓ આવેલી છે. ડાબી બાજુની મૂર્તિ કદાચ અશોક વૃક્ષ નીચે પાંચ શિષ્યો અને એક સ્ત્રી સાથી સાથેના પદ્મપાણિની છે. તેની ડાબી બાજુએ વક્ષ જેવો વામન હાથમાં છાબડી સાથે ઊભો છે. જમણી બાજુની મૂર્તિ વજ્જપાણિની છે, જે પણ અશોક જેવા વૃક્ષની નીચે ઊભેલા શિષ્યો સાથેની છે. સ્ત્રીની મૂર્તિ જૂનાગઢની ઉપરકોટની ગુફાઓ જેવો પહોળો પટ્ટો ધરાવે છે. તે કુષાણ-ક્ષત્રપના છેલ્લા સમયગાળા જેવી છે તેમજ અન્ય મૂર્તિઓ પાછલા આંધ્ર પ્રકારની છે. આ ગુફાઓ ૪ થી ૫મી સદીની હોવાનું માનવામાં આવે છે. સરકારશ્રી દ્વારા લાખોના ખર્ચે આ ગુફાઓનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
પ્રદ્યુમ્ન પાર્ક
આ પાર્કનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. રાજકોટના તત્કાલીન રાજવી ઠાકોર સાહેબશ્રી પ્રદ્યુમ્નસિંહજીના નામ પરથી પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાન નામ રાખવામાં આવ્યું છે. આ ઉદ્યાનની ૧૩૭ એકરમાં વિસ્તરેલી છે રાજવી ઠાકોર દ્વારા દાન કરવામાં આવી હતી. જેમાં આજે ૬૫ પ્રજાતિઓના ૫૫૩ પ્રાણી-પક્ષીઓ રહે છે. જેમાં એશિયાઈ સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડો, રિંછ, મગર, ઘડિયાલ, હરણો, વાંદરા, શ્વાન કુળના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના નાના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના સાપ તેમજ જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ જાેવા મળે છે. અને શિયાળુ પક્ષીઓ માટે “ડક પોન્ડ”ની સુવિધા ઉભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના લાખો સહેલાણીઓ મુલાકાત છે.
અટલ સરોવર
અટલ સરોવર એ રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ પ્લાન હેઠળ પરંપરાગત રીતે આયોજિત વોટર-ફ્રન્ટ ડેવલપમેન્ટ બનાવવા માટે ઓળખવામાં આવેલ મુખ્ય તળાવોમાંનું એક છે, જે નાગરિકોને આનંદ માણી શકે તે માટે પર્યાવરણીય રીતે સંકલિત સામાજિક અને મનોરંજક જાહેર વિસ્તાર પૂરો પાડે છે. તરીકે વિકસાવવામાં આવ્યું છે (જે ન્યૂ રેસ કોર્સ તરીકે પણ ઓળખાય છે). સરોવરનું પાણી તેમજ તેની આસપાસનો જમીન વિસ્તાર, જેમાં વિવિધ વયના નાગરિકો અને સામાજિક જૂથો દ્વારા સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકાય તેવા બહુવિધ અનુભવ ઝોનનો સમાવેશ થાય છે, જે અટલ સરોવરને એક જીવંત શહેરી જગ્યા બનાવે છે જે પ્રકૃતિ સાથે સુસંગત છે.
ઓસમ ડુંગર
આ પર્વતીય વિસ્તારમાં લોકો હરી ફરી શકે અને પ્રવાસનને વેગ મળે તે માટે અહીં અનેક વ્યવસ્થાઓ સરકારી સ્તરે ઊભી કરાઈ છે. સુંદર મજાના સેલ્ફી પોઇન્ટ છે તો લોકો બેસી શકે તે માટે આકર્ષક બાંકડાઓ પણ મૂકવામાં આવ્યા છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ સ્થિત આવેલ ઓસમ ડુંગર ખાતે અનેકો વાર પ્રકૃતિ શિબિર, આરોહણ અવરોહણ સ્પર્ધા, લોક મેળો પણ યોજવામાં આવે છે સ્થાનિકોની માન્યતા પ્રમાણે ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જાેવા મળે છે. પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા કરે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીમની થાળી આજે પણ જાેઈ શકાય છે.
ઘેલા સોમનાથ
ઘેલા સોમનાથમાં મૂળ સોમનાથની શિવલિંગ બિરાજમાન છે. એ પણ ભક્તજનો તથા પ્રવાસીઓનો ઘસારો રહે છે. આ મંદિર જિલ્લા વહીવટી તંત્ર હસ્તક આવેલું છે. અહીં મંદિરની અંદર, મંદીરના વિશાળ પરિસરમાં તથા મંદિરની સામે આવેલ મીનળદેવીના મંદિરમાં અનેક વિકાસ કામો કરાયા છે. યાત્રિકો માટે અહીં રહેવા તથા ભોજન બંનેની સુવિધા છે.
લાખોટા તળાવ
જામનગર વાસીઓ માટે હરવા ફરવાનું સૌથી મહત્વનું સ્થળ એ લાખોટા તળાવ છે. આ તળાવની અંદર આવેલા રજવાડા સમયના કિલ્લાનું નવીનીકરણ સરકાર દ્વારા વખતો વખત થયું છે. જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ (લાખોટા તળાવ) પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. લાખોટા તળાવની મધ્યમાં પત્થરના ગઢ પર વર્તુળાકાર લાખોટા કોઠો સ્થિત છે. દુષ્કાળની પરિસ્થિતિમાં ચોમાસા દરમિયાન જામ રણમલજી-૨ ના હુકમથી આ કોઠાનું દુષ્કાળ રાહત માટે નિર્માણ થયેલુ. હકીકત તો એવી છે કે આ માળખુ એક કિલ્લા તરીકે રચાયેલ હતું. જે દુશ્મન સૈનિકોના આક્રમણને અટકાવવા માટે નિર્મિત થયો હતો. આ કિલ્લો હવે લાખોટા પેલેસ તરીકે પણ ઓળખાય છે અને તે હાલમાં લાખોટા મ્યુઝિયમ ધરાવે છે. સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે પણ આદર્શ આશ્રય-સ્થાન પૂરૂ પાડે છે.