જીલ્લા કલેકટરની સુચનાથી ફુડ વિભાગે ભેળસેળીયા તત્વોને ઝડપવા વ્યાપક ચેકીંગ હાથ ધર્યુ : જીલ્લામાં બેફામ બની રહેલા ભેળસેળીયા તત્વોને ડામી દેવા તંત્ર અને ફુડ વિભાગ મેદાનમાં આવ્યું
ગીર સોમનાથ જીલ્લામાં બેફામ બની રહેલા ભેળસેળીયા તત્વોને ડામી દેવા જીલ્લાનું વહીવટી તંત્ર અને ફુડ વિભાગે કમ્મર કસી વ્યાપક ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત વેરાવળ અને તાલાલાની ૧૫ પેઢીઓમાં ચેકીંગ હાથ ધરીને ઘી, ચીઝ, દુધ, પનીર, ફરસાણ, મીઠાઈ, મીઠો માવો સહિતની ખાદ્યસામગ્રીના ૩૯ નમુના લઈ પૃથક્કરણ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે. જયારે ચેકીંગ દરમ્યાન મળી આવેલ ૩૩ કીલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે. ફુડ વિભાગે અચાનક કરેલ સરપ્રાઈઝ ચેકીંગ કામગીરીથી ભેળસેળીયા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે. આ અંગે માહિતી આપતા જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવેલ કે, જીલ્લામાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો અંગે અનેક ફરીયાદો મળી હોવાથી ચેકીંગ કરવા આદેશ કર્યો હતો. જેને લઈ જીલ્લા ફુડ વિભાગના અધિકારીઓ પી.બી.સાવલીયા, સી.કે.નિમાવત, કે.એચ.ચોચાના નેતૃત્વમાં ત્રણેક ટીમો બનાવીને વેરાવળ અને તાલાલામાં વ્યાપક ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં વેરાવળમાં મહાદેવ ડેરી ફાર્મ, પતંજલી ઔષધાલય, ગાયત્રી ફરસાણ, રઘુવંશી ફરસાણ, અંબીકા ફરસાણ, ભવાની પ્રોવિઝન, શ્યામ ડેરી, હોટલ રીવરફ્રન્ટ, રામેશ્વર ડેરી, ગીર ફ્રેશ ડેરી, નંદરાજ ડેરીમાં ચેકીંગ હાથ ધરીને ઘી, ચીઝ, પનીર, ફાફડા-જલેબીના કુલ ૨૦ સેમ્પલો લેવામાં આવેલ તેમજ ૧૦ હજારની કિંમતનો ૩૩ કીલો અખાદ્ય પદાર્થો નાશ કરવામાં આવેલ હતો. જયારે તાલાલામાંથી પ્રસાદ ડેરી પ્રોડકટસ, માધવ એન્ટરપ્રાઈઝ, બંસીધર ડેરી ફાર્મ, ગુરૂકૃપા ડેરી ફાર્મમાં ચેકીંગ હાથ ધરીને મીઠો માવો, દુધ, પનીર, મીઠાઈ, ફરસાણના ૧૯ નમુના લેવામાં આવ્યા હતા. આ બંન્ને શહેરોની ૧૫ પેઢીઓમાંથી લેવાયેલા ૩૯ નમુનાઓને પૃથક્કરણ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે.