જૂનાગઢ શહેરમાં દોલતપરા વિસ્તારમાં રામદેપરા રોડ આવેલ મંદિરમાંથી અજાણ્યા પુરૂષ અને સ્ત્રીએ ર છતર સહિત ૩ હજારની મતાની ચોરી કરી ગયાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધવામાં આવી હતી. આ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલી મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડીવીઝન પોલીસ મથકે સુનીલભાઈ જગદીશભાઈ મકવાણાએ સીસીટીવીમાં દેખાતા અજાણ્યા પુરૂષ અને મહિલા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી મહિલા અને પુરૂષે ધુનેશ્વર મહાદેવ મંદીરમાં રહેલ ર ચાંદીના છત્તર, આરતી કરવાનું દિવેલ્યુ, ચાંદીનું ત્રીપુડ, ત્રાંબાની લોટી, ત્રાંબાનો ત્રાસ અને ડંકો વગાડવાની ઝાલર મળી આશરે કુલ ૩ હજારની મતાની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. દરમ્યાન જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના તેમજ માર્ગદર્શન તેમજ હિતેષ ધાધલીયાની સુચના અંતર્ગત એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બી.બી. કોળી અને સ્ટાફે ગુના નિવારણ વિભાગને તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપતા ગુના નિવારણ સ્ક્વોડના પીએસઆઈ જે.આર. વાજા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઈન્સ્ટોલ કરલે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી તપાસ કરતા આ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી કુલદિપભાઈ ભૂપતભાઈ સોલંકી જાતે દેવીપૂજક મુળ ઉમરાળી ગામ અને હાલ કડીયાવાડ વાળાને ઝડપી લેવામાં આવેલ છે અને તેની પાસેથી રૂા.૩ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.