રાજકોટ શહેર રોડ સેફટી કમિટીની બેઠકમાં ઓફિસમાં ટુ વહીલર ઉપર આવતા સરકારી કર્મચારીઓ હેલ્મેટની પહેલ કરે : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા

0

અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે રોડ એન્જીનીયરીંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ અર્થે ત્વરિત કામગીરી કરવા સંલગ્ન વિભાગના અધિકારીઓને સૂચના

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ અને વાહન અકસ્માત નિવારણ અર્થે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રારંભે પોલીસ કમિશનરએ સરકારી ઓફિસમાં ટુ વ્હીલર ઉપર આવતા કર્મચારીઓ હેલ્મેટની પહેલ કરે તે અંગે સૂચના આપી હતી, તેમજ રાજકોટ શહેર તેમજ શહેરને જાેડતા હાઇવે ઉપરના બ્લેક સ્પોટ ઉપર વાહન અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે રોડ એન્જીનીયરીંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ અર્થે ત્વરિત કામગીરી કરવા સંલગ્ન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. આ તકે ડી.સી.પી. ટ્રાફિક પોલીસ શ્રી પૂજા યાદવે રાજકોટમાં રોડ અકસ્માત અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં ૧૬૯ ફેટલ અકસ્માત સામે વર્ષ ૨૦૨૪ માં ૧૧૫ જેટલા અકસ્માતમાં ૧૪ ટકા જેટલો ઘટાડો થયો છે. જયારે ગંભીર અકસ્માતમાં વર્ષ ૨૦૨૩ માં ૨૨૪ ની સામે ૧૪૯ જેટલા કેસ નોંધતા ૧૫ ટકા જેટલો ઘટાડો થયેલો હોવાનું જણાવ્યું હતું. ટ્રાફિક શાખા દ્વારા વર્ષ ૨૦૨૪ દરમ્યાન બ્લેક-સ્પોટ પોઈન્ટ ડ્રાઇવનું આયોજન કરી હેલ્મેટ ન પહેરતા, ઓવરસ્પીડમાં ચાલતા, સીટ બેલ્ટ વગરના, કાળા કાચ વાળા વિગેરે જેવા વાહન ચાલકો વિરૂધ્ધ સને-૨૦૨૪ દમિયાન કુલ ૨૬,૨૬૯ કેસ કરી રૂા.૧,૦૪,૭૩,૫૫૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જયારે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા લાઇસન્સ, બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ, મોબાઈલ ફોન પર વાત કરતા સહિતના ૨ લાખથી વધુ કેસ કરી રૂા.૫ કરોડથી વધુની રકમનો દંડ કરવામાં આવ્યો હોવાનું શ્રી પૂજા યાદવે જણાવ્યું હતું. આ ઉપરાંત સર્કલો નાના કરવા, સર્કલોને સેન્ટરમાં લેવા વગેરેની કામગીરી ચાલી રહી હોવાનું તેમણે વિગતવાર જણાવ્યું હતું. આર.ટી.ઓ. કેતન ખપેડે તેમના વિભાગ દ્વારા કરવામાં આવેલી ડ્રાઈવ અને જે.વી.શાહે જનજાગૃતિ અર્થે કરવામાં આવેલા વિવિધ સેમિનારની માહિતી પુરી પાડી હતી. ૧૦૮ ના ચેતન ગઢેએ વાહન અકસ્માતનો ડેટા આપતા જણાવ્યું હતું કે, ચોમાસામાં અને રવિવાર તેમજ બુધવારના રજાના દિવસોમાં અકસ્માતનું પ્રમાણ વધતું હોય છે. બેઠકમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ, આર.એન્ડ.બી. વિભાગ, મહાનગર પાલિકા દ્વારા એપ્રોચ રોડ રીપેરીંગ, સ્પીડ બ્રેકર સહિતની કામગીરીની માહિતી આપી હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ એ.સી.પી. ટ્રાફિક વી.જી. પટેલ, રૂડા, આરોગ્ય, પોલીસ વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

error: Content is protected !!