ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ પુરોહિત પરિવારનો તારીખ ૨૨-૧૦-૨૦૨૪ મંગળવારના રોજ હર્ષદ માતાજી ગાંધવી મુકામે જગડુશા ધર્મશાળામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન અશ્વિનભાઈ પુરોહિત અને ઘનશ્યામભાઈ પુરોહિતના યજમાન પદે સંપન્ન થયું હતું. દ્વારકા, ઓખા, બેટ, દ્વારકા, જામનગર, રાજકોટ, જસદણ, વડોદરા, અમદાવાદ વગેરે સ્થળોએથી પુરોહિત પરિવારના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે સાંજે ૪ વાગ્યે દ્વારકા મટકી ચોકથી બસના માધ્યમથી હર્ષદ ગાંધવી મુકામે પહોંચી રાત્રિના સમયે દ્વારકાના પ્રખ્યાત લોકગાયક વિનુભાઈ દવે તથા રિધમિષ્ઠ પ્રતિકભાઇ વાયડા દ્વારા છંદ ગરબાના આયોજન બાદ સવારે ૯ વાગ્યે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. બપોરે ૨ વાગ્યે યજ્ઞપુર્ણાહુતિ બાદ મહાથાળ અને સમસ્ત પુરોહિત કુટુંબના ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ૧૯ વર્ષ એટલે કે ૨૦૪૩ સુધી નવચંડી યજ્ઞ માટેના યજમાનોના નામ માતાજીના સ્થાપનમાં ચિઠ્ઠી મૂકી કુટુંબની કુવારીકા દ્વારા ચિઠ્ઠી ઉપાડી નક્કી કરવામાં આવ્યા હતા. આગામી ૨૦૨૫ના નવચંડી યજ્ઞના યજમાન તરીકે નયનભાઈ ચંદુલાલ પુરોહિતનું નામ માતાજીના આશીર્વાદથી પસંદ થયેલ છે. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતા પૂર્વક સંપન્ન થયો છે.