સંસ્થાએ સામાજિક જવાબદારીનું મોટું ઉદાહરણ આપ્યું છે : જીમ્મીભાઇ દક્ષીણી
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ‘૭૨’મો સ્થાપના દિન અવસરે બંેક દ્વારા વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન થયું હતું. તે અંતર્ગત એક કાર્યક્રમ એટલે ‘મહારક્તદાન શિબિર’. બેંક દ્વારા રાજકોટમાં હેડ ઓફિસ અને પરાબજાર શાખા, બહારગામમાં, પડધરી, જામનગર, ગાંધીધામ, ભુજ, મોરબી, વાંકાનેર, હળવદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, સુરત, નાગપુર, જસદણ, ભાવનગર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જુનાગઢ શાખાઓમાં મહારક્તદાન શિબિર યોજાયેલી હતી. બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણી જણાવે છે કે, ‘આ વર્ષે બેંકનો ૭૨ મો સ્થાપના દિન હતો એટલે અમારી લાગણી હતી કે ૭૨૦ બોટલ રક્ત એકઠું થાય. સહુના સહિયારા પુરુષાર્થ અને પરિવારજનોના અપાર પ્રેમને કારણે દરેક શાખાઓએ સાથે મળી ૧૦૨૯ રક્તદાતાઓએ બેંકની આ મહારક્તદાન શિબિરમાં રક્તદાન કરેલ. બેંકે આ કાર્ય થકી સામાજિક ઉત્તરદાયિત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. એકઠું થયેલું રક્ત રાજકોટની સીવીલ હોસ્પીટલ અને બહારગામની સીવીલ હોસ્પીટલો તથા જરૂરીયાતમંદ બ્લડ બેંકોને આપવામાં આવેલ. આ તકે સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટર્સ વતી સૌ રક્તદાતાઓનો આભાર.’ અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા અનેક સેવાકીય પ્રકલ્પો સાકાર થયા છે અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં સાથ-સહકાર આપ્યો છે. જેવા કે, રાજકોટનાં મુક્તિધામનું નવીનીકરણ, રાજકોટ અને બહારગામની વિવિધ હોસ્પીટલ અને નિદાન કેન્દ્રોમાં સારવારમાં આર્થિક રાહત, ખાસ તો, કેન્સર જેવી ગંભીર બીમારીમાં પરિવારજનોને આર્થિક સહાય, રેસકોર્ષ-૨માં અટલ સરોવર માટે માતબર યોગદાન, સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં એન્જીનીયરીંગ અભ્યાસની સુવિધા ન હતી તેવા સમયે રાજકોટમાં વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ શરૂ કરવા માટે માતબર યોગદાન અને સમગ્ર વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઘરઆંગણે ઉચ્ચ અભ્યાસ ઉપલબ્ધ બન્યો. સંસ્કૃતિને ટકાવી યોજાતી પ્રાચીન ગરબીઓને આર્થિક સહયોગ, રાજકોટનાં રેસકોર્ષમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું સ્થાપન કરાયું. આવી જ રીતે લોકભાગીદારી દ્વારા શહેરના વિવિધ રસ્તાઓનાં બ્યુટીફીકેશન થયા તેમાં સર્વપ્રથમ યોગદાન આપ્યું, બાળકોમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવી વિકસાવવા છેલ્લા ૨૬ વર્ષથી નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનું આયોજન.