ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલ છઠ્ઠા દિવસમાં પ્રવેશી

0

દીપોત્સવી ટાંકણે જ ઉભરાતી ગટરો, કચરાના ગંજથી નગરજનો ત્રસ્ત

ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ મુદ્દે શાંત અને અહિંસક ચાલતી હડતાલ આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશી છે. સફાઈ કામદારો દ્વારા છેલ્લા છ દિવસથી ચાલી રહેલી આ હડતાલના આટલા દિવસે પણ નગરપાલિકાના સત્તાધીશો સફાઈ કામદારોની હડતાલનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવાના બદલે ગુપ્ત રીતે સફાઈ કામદારોની ન્યાય અને સત્ય માંગણીઓ માટેની હડતાળને તોડી પાડવાના કથિત રીતે હિન કક્ષાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સફાઈ કામદારોએ કરી, અને આ બાબતને દુઃખદ ગણાવી છે. આગામી દિવસોમાં દિવાળીના ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશોએ સફાઈ કામદારોની હડતાળનું સુખદ રીતે નિરાકરણ લાવે તેવું સફાઈ કામદારો ઈચ્છી રહ્યા છે. આ વચ્ચે સત્તાધીશો દ્વારા સફાઈ કામદારોની આ શાંત અને અહિંસક રીતે ચાલતી હડતાળને તોડી પાડવાના પ્રયાસો કરવામાં આવશો તો ના છૂટકે સફાઈ કામદારોની આ હડતાળને ઉગ્ર બનાવીને જલદ કાર્યક્રમો કરવાની ફરજ પડશે. તેવી ચીમકી સફાઈ કામદારોના નેતા રમેશ વાઘેલા દ્વારા આપવામાં આવી છે. જે અંગે ઉપસ્થિત થનારી પરિસ્થિતિની જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે તેમ પણ વધુમાં જણાવ્યું છે. જાે કે આંદોલનમાં મુખ્ય માંગણીઓ જી.પી.એફ. અને ઈ.પી.એફ.ની રકમ ભરવી તથા અન્ય મુદ્દાઓ અંગે નગરપાલિકા દ્વારા કાર્યવાહી થઈ ચૂકી છે. પરંતુ સફાઈ કામદારો દ્વારા વધુ ૫૦ કર્મચારીઓની ભરતી કરવાના મુદ્દે મુખ્ય સંઘર્ષ હોવાનું કહેવાય છે. હાલમાં ૧૧૯ કર્મચારીઓ છે. ત્યારે વધુ નવા ૫૦ કર્મચારીઓની ભરતી કરવાનો ર્નિણય નગરપાલિકાના સદસ્યો દ્વારા સામાન્ય સભામાં લેવામાં આવે તો આર્થિક જવાબદારી તેમની ઉપસ્થિત થતા તેમની પાસે સરકાર દ્વારા રિકવરી કરવામાં આવે તેવું હોવાથી આ પ્રશ્ન હાલ મડાગાંઠ જેવો બની રહ્યો છે. ત્યારે દિવાળીના દિવસોમાં જ શહેરમાં ઉભરાતી ગટરો તેમજ ઠેર ઠેર જાેવા મળતા ગંદકીના ગંજથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે.

error: Content is protected !!