કારતક વદ અગિયારસને મંગળવાર તા.૨૬-૧૧-૨૪ ઉત્પત્તિ એકાદશી છે. ખાસ કરીને આ એકાદશી માટે નિયમ પ્રમાણે સોમવારે રાત્રિનું ભોજન કરવું જાેઈએ નહીં એટલે કે આગલા દિવસે રાત્રી એ પણ ફરાળ લેવું ત્યાર બાદ મંગળવારે દિવસે સવારના વહેલા ઊઠી નિત્ય કર્મ કરી અને વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. આખો દિવસ એકટાણું અથવા ઉપવાસ રહેવો. ભગવાનને નેવેદ્યમાં ફક્ત ફળોનો પ્રસાદ અને બદામ ધરાવવી બપોરના સૂવું નહીં રાત્રીના ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરવું સાંજના સમયે શ્રી કૃષ્ણ ભગવાનનું કીર્તન અને ભજન કરવા અથવા તો શ્રીકૃષ્ણ શરણમ મમ મંત્રના જપ કરવા ઉત્તમ રહેશે તથા એકાદશીની કથા સાંભળવી.
એકાદશીની વ્રત કથા ઃ મુર નામના રાક્ષસે પ્રજાને રંજાડવા માંડી. દેવો પ્રજાની મદદ ગયા. મુરે દેવોને પણ ન છોડયા. તેમનો પણ પરાજય કર્યો. ભગવાન વિષ્ણુ દેવોની મદદ કરવા આવ્યા પણ મુરે વિષ્ણુને પણ હરાવ્યા, વિષ્ણુ હારીને બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. મુર તેમની પાછળ દોડયો. ભગવાન એક ગુફામાં સૂતા હતા ત્યાં આ રાક્ષસ આવી પહોંચ્યો. રાક્ષસ જેવો વિષ્ણુને મારવા જતો હતો ત્યાં જ વિષ્ણુ ભગવાનના દેહમાંથી એક દેવી ઉત્પન્ન થયા. તેમણે રાક્ષસને હણ્યો. દેવોને-પ્રજાને મુક્તિ અપાવી. આ દેવી તે જ ઉત્પત્તિ એકાદશી. વિષ્ણુએ એકાદશીને કહ્યું ‘હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તારી ઇચ્છામાં આવે તે માંગી લે. એકાદશીએ કહ્યુંઃ ‘હું સર્વ તિથિઓમાં ઉત્તમ- સર્વ વિઘ્નને હરનારી તથા બળ આપનારી બનું. જે મનુષ્યો મારા દિવસે પરમ ભક્તિથી ઉપવાસ કરશે તેને સર્વ સિદ્ધિઓ મળશે.’
ઉત્પતિ એકાદશીનો બોધ ઃ જાે તમે સાચું કાર્ય કર્તા હો સાચા લોકોની મદદ કરતા હો તેમાં કોઈપણ જાતની મુસીબત આવે તો પણ ડરવું નહીં અંતે સત્ય કાર્ય થઈ ને જ રહેશે એટલે કે સત્યનો વિજય થઈને જ રહેશે વિષ્ણુ ભગવાન પણ દેવતાઓની અને પ્રજાજનોની મદદ કરવા ગયેલા આથી અંતે વિષ્ણુ ભગવાનનો જ વિજય થયેલો આમ સત્યનો વિજય થાય જ છે.
– શાસ્ત્રી રાજદીપ જાેશી