દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વિવિધ ઔદ્યોગિક ‘મેજર એક્સીડેન્ટલ હાઝાર્ડ’ યુનિટ્સને ધ્યાને લઇ, તેમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની રચના કરવામાં આવી છે. જેની બેઠક નિવાસી અધિક કલેક્ટર ભુપેશ જાેટાણિયાની અધ્યક્ષતામાં ખંભાળિયાની કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં સભ્યોને જિલ્લામાં આવેલા યુનિટ્સ, તેમાં વપરાતાં રસાયણો, તેમાં સંભવિત અકસ્માત સમયે ઉપયોગી સાધનોની કંપની ખાતે ઉપલબ્ધતા, મોક ડ્રીલ આયોજનો, સેફ્ટી ઓડિટ વગેરેથી માહિતગાર કરીને આપત્તિ વ્યવસ્થાપન અંગેની સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો. રાસાયણિક અકસ્માતોના નિવારણ માટે કુરંગા, વાડીનાર, મીઠાપુર અને ભોગાત ખાતે આવેલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે જરૂરી સંકલન સાધવા તેમજ કંપનીના આંતરિક સલામતી તપાસના રીપોર્ટ અનુસાર જરૂરી વ્યવસ્થા કરીને સલામતી સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું હતું. હાનિકારક રસાયણોના યુનિટમાં કે પરિવહન દરમ્યાન લિકેજ કે આગની ઘટના સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં સબ ડિવિઝન કક્ષાએ લોકલ ક્રાઈસીસ ગ્રુપની રચના કરીને નિયત સમયગાળામાં મિટિંગો યોજવા માટે સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જાહેર સલામતી અને આપત્તિ વ્યવસ્થાપનને લગત વિભાગોના અધિકારીઓ તેમજ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.