જૂનાગઢ અને સોરઠ પંથકના મહત્વના એવા ફરવા લાયક સ્થળ કે જયાં દેશભરના પ્રવાસી જનતાનો સતત ધસારો રહે છે તેવા સાસણ પાસે જીપ્સી ચાલકને માર મારી બંદુક બતાવી સાંગોદ્રા ગામનાં ૨ સહિત ૬ શખ્સ ૧૧,૦૦૦ની રોકડ, સોનાનાં ચેનની લૂંટ ચલાવીને નાસી ગયાની ફરિયાદ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તાલાલા તાલુકાના સાંગોદ્રા ગામના ૩૭ વર્ષીય અલ્પેશભાઇ લાધાભાઇ હરણેસા તાલાલા ખાતે વન વિભાગ હેઠળ પ્રવાસીઓ માટે જીપ્સીનાં ફેરા કરી ગુજરાન ચલાવે છે. જીપ્સી ચાલક અલ્પેશભાઇને તેના જ ગામના નાઝીમ હબીબ સોઢા સાથે છેલ્લા દોઢ મહિનાથી નાની મોટી બાબતોને લઈ માથાકૂટ ચાલતી હતી. દરમિયાન યુવક જીપ્સીનો ફેરો કરી તાલાલાથી જીપ્સી હંકારીને પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો તે વખતે સાસણ તાલાલા રોડ ઉપર ભોજદે ગામ જવાના કાચા રસ્તા પાસે જીપ્સી સાથે રોકી નાજીમ હબીબભાઇ સોઢા (રે. સાંગોદ્રા), અસ્લમ ગાઇડ (રે. સાસણ), અલી શરીફભાઇ કોરેજા (રે.સાંગોદ્રા) અને ૩ અજાણ્યા શખ્સે ઉભો રાખી અગાઉની માથાકૂટનો ખાર રાખી નાજીમ સોઢાએ લોખંડના પાઇપ વડે જમણા પગ તથા બન્ને હાથમાં માર મારી ફેક્ચર કરી ગોળી મારી દઇશ તેમ કહી બંદુક (પિસ્તોલ) જેવુ હથીયાર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ અલ્પેશના ખિસ્સામાંથી રૂ. ૧૧,૦૦૦ની રોકડ અને દોઢ તોલા સોનાનાં ચેનની લૂંટ ચલાવી તમામ શખ્સ માર મારી નાસી ગયા હતા. આ ઘટના અંગે મેંદરડાના ઇન્ચાર્જ મહિલા પીઆઈ એસ. એન. સોનારાએ ફરિયાદ લઇ ૬ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સાંગોદ્રા ગામના જીપ્સી ચાલક અલ્પેશ લાધાભાઈ હરણેસાને માર મારી બંદૂક બતાવી રૂપિયા ૧૧,૦૦૦ની રોકડ અને સોનાના ચેનની લૂંટના ગુનાના તપાસનીશ ઇન્ચાર્જ મહિલા પીઆઈ એસ. એન. સોનારાએ જણાવ્યું હતું કે, ગણતરીની કલાકોમાં ૨૬ વર્ષીય અસ્લમ અનવરભાઈ ભટ્ટી રહે. સાસણ નદી કાંઠે, તા. મેંદરડાને પકડી લઈ અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમ બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ અંગે ઇન્ચાર્જ પીઆઇ એસ.એન. સોનારાએ જણાવ્યું હતું કે, સાંગોદ્રા ગામનાં જીપ્સી ડ્રાઇવર અલ્પેશભાઈ લાધાભાઇ હરણેસાએ તેના ગામના ૨ સહિત ૬ શખ્સ વિરુદ્ધ માર મારી બંદૂક બતાવી રૂપિયા ૧૧,૦૦૦ની રોકડ અને સોનાના ચેનની લૂંટ ચલાવી હોવાની નોંધાવેલી ફરિયાદ અંગે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે. આરોપીઓ સુધી પહોંચવા સીસીટીવી કેમેરાના ફૂટેજ, હ્યુમન સોર્સીસની મદદ લઈ ઘટનામાં કેટલા શખ્સ સંડોવાયા છે? તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.