રૂા.૩૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝબ્બે
દ્વારકા પંથકમાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી, વિદેશી દારૂ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે બુધવારે મોડી રાત્રિના સમયે સ્થાનિક પોલીસ સ્ટાફના જવાનો દ્વારા પી.આઈ. ડી.એચ. ભટ્ટની સૂચના તેમજ પી.એસ.આઈ. ટી.ડી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન એ.એસ.આઈ. ભુપતસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, કુલદીપભાઈ ખુમાણ તેમજ જીતેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર વસઈ ગામ તરફ આવેલા એક મંદિરથી આગળની અવાવરૂ જગ્યામાં બાવળની ઝાડીઓમાં છુપાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂા.૩૧,૫૦૦ ની કિંમતની ૪૨ બોટલ વિદેશી દારૂ સાથે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કરણ ઉર્ફે કનુ ટપુભા સુમણીયા નામના ૨૪ વર્ષના શખ્સની અટકાયત કરી લીધી હતી. જ્યારે આ ગુનામાં અન્ય બે શખ્સો મુરૂભા ઉર્ફે મોડભા મેરૂભા માણેક અને સુનિલભા મેરૂભા માણેક નામના શખ્સો પણ સંડોવાયેલા હોવાનું જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે ગુનો નોંધી, આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.