કેશોદના ખમીદાણા ખાતે ભગવાન સ્વામિનારાયણના નૂતન મંદિરનું ભૂમિપૂજન, શિલાન્યાસ અને સ્મરણિય શાકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શોભાયાત્રા ભૂમિપૂજન અને ધર્મસભા યોજાઈ હતી. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત વડતાલના આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અને લાલબાઈ માતાજીના પટાંગણમાં યોજાયેલ ધર્મસભા સ્થળે આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજે વેદ અને શાસ્ત્રોનો આધાર રાખી ધર્મ, જ્ઞાન, ભક્તિની વાતો કરતાં જૂનાગઢ રાધારમણદેવ પ્રદેશના ખમીદાણા ગામે ભગવાન સ્વામિનારાયણના મંદિરનું ભૂમિપૂજન અને શાકોત્સવ પ્રસંગે બોલતાં ગામનો આધ્યાત્મિક અને વ્યવહારિક વિકાસ થાય તેવા આર્શિવચન પાઠવ્યાં હતાં. મહારાજએ સ્વામીનારાયણ ભગવાને ત્રણ સંકલ્પો પૂર્ણ કર્યા હતાં જેમાં પ્રથમ મંદિરો નિર્માણ કર્યા પછી ગ્રંથો લખાવ્યાં બાદ મંત્ર દિક્ષા માટે આચાર્ય પદની સ્થાપના કરી હતી. તેથી મંદિરને ભૌગોલિક સ્થિતીએ નહીં ત્યાં કેટલાં જીવનું કલ્યાણ થાય છે તે દ્રષ્ટિ રાખવી જાેઈએ તેમ કહી વધુમાં આસુરી અને દૈવી જીવનો તફાવત જણાવતાં કહ્યું કે જે જીવ મનવૃતિ સેવા કાજે તન મન ધનથી ભગવાનના ગુણાનુવાદ સાથે જાેડાય તે દૈવી પ્રકૃતિનો જીવ છે. તેને આવા સદકાર્યોમાં થાક લાગતો નથી તેથી હરિભક્તોને મંદિર નિર્માણમાં મન, કર્મ, વચને નાની મોટી સેવા કરી સહભાગી થવા હરિભકતોને આજ્ઞા કરી હતી. આ શાકોત્સવ પ્રસંગે સોમનાથના ભક્તિસ્વરૂપ સ્વામી, બોટાદથી કેવલ્યસ્વરૂપ સ્વામી, સોમનાથથી ધર્મકિશોરદાસજી સ્વામી સહિતના સંતો, અગતરાય, પંચાળા, માળિયા (હાટિના) દેશના હરિભકતો પધાર્યા હતાં. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા ખમીદાણા ગામલોકો તેમજ લક્ષ્મીનારાયણ યુવક મંડળના ઘનશ્યામભાઈ પટોળિયા, પંકજભાઈ મારડિયા, કરસનભાઈ પીઠિયા જયેન્દ્રભાઈ ગોટેચા, ભાવેશભાઈ કારાવદરા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.