ભવનાથ મંદિર પાસે આવેલા તનસુખગીરી બાપુના પ્લોટને હડપી જવા હરીગીરીએ ધાકધમકી આપી લખાણ કરાવી લીધુ હોવાનો મહેશગીરીનો આક્ષેપ

0

એક વિવાદ હજુ સમતો નથી ત્યાં નવા અનેક ગતકડાઓ રોજબરોજ બહાર આવી રહ્યા છે

ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ ભવનાથના મહંત હરીગીરી સામે સતત મોરચો ખોલીને યુધ્ધ જારી રાખેલ છે અને વધુ એક જમીન અંગેના કૌભાંડમાં હરીગીરી સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરતા ભારે સનસનાટી મચી જવા પામી છે.
અંબાજી માતાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિર સહિતના ધાર્મિક સ્થળો ઉપર મહંત પદની નિમણુંકનો મામલો ગરમાગરમ બન્યો હતો. સતત ઉકળતા ચરૂ માફક ઉકળી ગયેલા આ મામલે સરકારે મધ્યસ્થી થઈ અને કલેક્ટરને સ્પષ્ટ સુચના આપ્યા બાદ વિવાદાસ્પદ બાબતને સુલજાવા પ્રયાસ કર્યો છે અને અંબાજી મંદિરના ધાર્મિક સ્થાન અંગે સીટી મામલતદારને હાલ પુરતો વહિવટ સોંપી દેવામાં આવ્યો છે. આ બાબત આટલેથી અટકતી નથી પરંતુ વધુને વધુ નીતનવા ગતકડાઓ સતત વહેતા રહ્યા છે. આ દરમ્યાન ગઈકાલે મહેશગીરીએ વધુ એક વિડીયો વાયરલ કરી અને પોતાનું નિવેદન સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, ભવનાથમાં પૂજ્ય તનસુખગીરી બાપુના ટ્રસ્ટનો એક પ્લોટ હતો અને આ પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે ધાકધમકી આપી કબ્જે કરી લેવાના ઈરાદા સાથે હરીગીરીએ કૌભાંડ આચરી અને આ પ્લોટ હડપી લીધો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ સાથે જ મહેશગીરીએ સ્પષ્ટતા પણ કરી છે કે, તનસુખગીરી બાપુના વડપણ હેઠળના ટ્રસ્ટ અંતર્ગત જે પ્લોટ હતો તે પ્લોટ કોઈ વ્યક્તિગત રીતે ખરીદી ન શકાય કે વેંચાણ કરી ન શકાય તેવા કાયદો છે પરંતુ આ પ્લોટ ધાકધમકીથી અને બળજબરીથી લખાણ કરાવી અને હરીગીરીએ પ્રપંચ આચર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરી આ બાબતની તટસ્થ નિઃપક્ષ તપાસ કરવા જણાવેલ છે. મહેશગીરીએ વધુમાં જણાવ્યું હતું કે, હરીગીરી સામે જે જંગ ખેલવામાં આવી રહેલ છે તે અસત્ય સામે સત્યના લડાઈ છે અને ભવનાથ નહી પરંતુ દેશભરના ધાર્મિક સ્થળો ઉપર હરીગીરી દ્વારા જે ગેરરીતી કૌભાંડ આચરવામાં આવેલ છે તે અંગેની તટસ્થ તપાસ થશે તો અનેક કૌભાંડો બહાર આવવાની શક્યતા પણ દર્શાવી હતી.

error: Content is protected !!