દ્વારકાધીશજીને ઠંડીના દિવસોમાં ઋતુ અનુસાર વસ્ત્રો તેમજ આભુષણો પરિધાન કરાયા

0

હાલમાં શીત લહેર ચાલી રહી હોય અને આગામી તા.૧૬ ડિસેમ્બરથી શરૂ થતા ધનુર્માસમાં સૂર્ય ધનરાશિમાં પ્રવેશતાં ધનારક યોગમાં શુભ કાર્યો થતાં નથી. મુખ્યત્ત્વે ધાર્મિક કાર્યો, ભાગવત સપ્તાહ વગેરે કરવામાં આવે છે. ત્યારે દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશને ધનુર્માસમાં કાતીલ ઠંડીના દિવસોમાં ઠાકોરજીની સેવાનો પ્રકાર, વસ્ત્ર પરિધાન, આભુષણો, શૃંગાર, ભોગ વગેરે મોસમને અનુરૂપ કરવામાં આવે છે અને ઋતુ અનુસાર ઠાકોરજીની સેવા કરવામાં આવે છે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પૂજારી પ્રણવભાઈના જણાવ્યા અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધનરાશિમાં રહેતો હોય ધનુર્માસની તિથિઓ દરમ્યાન સવારે ૫ઃ૩૦ કલાકે મંગલા આરતી બાદ સૂર્યોદય પહેલા અભિષેક કરવામાં આવે છે. જયારે ૧૦ઃ૩૦ કલાકે અનોસર(મંદિર બંધ) થાય છે. શિયાળાની કાતિલ ઠંડીના સમયમાં ઠાકોરજીને અભિષેક બાદ અભિષેક બાદ ઠાકોરજીની સેજામાં સૌભાગ્ય સૂંઠ જેમાં સૂંઠ, ઘી, ગોળ, મરી, તજ, કેશર, કાળી મુસલી, ધોળી મુસલી, બદામ પીસ્તા કાજુ ઠાકરોજીને ધરાવવામાં આવે છે. ચાંદીના વાસણમાં સૌભાગ્ય સૂંઠ તથા કેશરયુકત ગરમ દુધ અર્પણ કરી ઠંઠી ઓછી પડે તેવો ભાવ વ્યકત કરવામાં આવે છે. શિયાળાના સમયમાં ભગવાન દ્વારકાધીશને સોનાનાં દાગીના પરિધાન કરાવવામાં આવે છે. ભગવાનને ધરાવાતાં ભોગમાં રાજભોગ સમયે અડદીયાનો ભોગ તેમજ બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, નરમ ખીચડી વગેરેનો ભોગ ધરાવવામાં આવે છે. ઉપરાંત ભગવાન દ્વારકાધીશને પણ ગરમ વસ્ત્રો જેવા કે બંડી, શાલ તેમજ ગરમ જાકીટ, ઊનનો કોટ સહિતના વસ્ત્રો પરિધાન કરવામાં આવે છે. રાત્રિના સમયે પણ શ્રૃંગાર બડા કરી ગરમ કોટ વુલન કપડાંનો અને કાશ્મીરી પશ્મીના શાલ, સીલ્કની રજાઈ સાથેની સેજા સજાવવામાં આવે છે. આ પ્રકારનો દર્શન ક્રમ ઠંડીના દિવસોમાં આયોજવામાં આવે છે. શયન સમયે ઠાકોરજીને ગરમ સેજા પાથરવામાં આવે છે જેના ઉપર ઠાકોરજીને વિશ્રામમાં જાય તેવો ભાવ કરવામાં આવે છે. રાત્રે ઓઢાડેલી ગરમ શાલ સવારે મંગલા આરતી સુધી રાખવામાં આવે છે. આ ઉપરાંત તીવ્ર ઠંડી હોય ત્યારે જગતમંદિરના વારાદાર પૂજારીઓ દ્વારા ઠાકોરજીને સવારે મંગલા આરતી તેમજ અભિષેક પૂજન બાદ અને સાંજે સંધ્યા સમય બાદ ચાંદીની અંગીઠીમાં અગ્નિ પ્રજવલિત કરી ઉષ્માર્પણનો ભાવ વ્યકત કરાય છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

error: Content is protected !!