ગીર સોમનાથ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડે નિયમ વિરૂદ્ધ મંજૂરી આપી હોવાથી પગલાં લેવા રીપોર્ટ

0

જીલ્લા કલેકટરે ગાંધીનગર ચીફ એન્જિનીયરીંગ (પંચાયત) અને અધિક સચિવને પત્ર પાઠવ્યો : માટી ચોરીનો સાચો આંક હજુ પણ છુપાવાઈ રહ્યો હોય સ્થળ ઉપર સાચી માપણી કર્યા વગર ઓછી માટી ચોરી દર્શાવાઇ

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામના સરકારી તળાવ માંથી નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટર કલથીયા એન્જી. કંપનીને જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડએ નિયમ વિરુદ્ધ મંજુરી આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. આ ગંભીર મામલે ગીર સોમનાથ જીલ્લા કલેક્ટરે ચીફ એન્જિનિયરિંગ (પંચાયત) અને અધિક સચિવ નર્મદા જળસંપતિ પાણી પુરવઠા ગાંધીનગરને પત્ર પાઠવી પંચાયત વિભાગ ગીર સોમનાથ હસ્તકના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે આવેલા તળાવમાંથી માટી કાઢવા માટે આપેલી મંજૂરી અને આ માટેની કરોડો રૂપિયાની રોયલ્ટી નહીં ભર્યા હોવાના આધાર પુરાવા સાથે સચિવને જાણ કરીને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડ સામે પગલાં લેવા જણાવતા ખળભળાટ મચી ગયો છે. ખનીજ કાઢવાની મંજૂરીની સત્તા ખાણ ખનીજ વિભાગને જ હોય છે. ત્યારે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડે સુજલામ સુફ્તામ યોજનાના રૂપકડા બહાના હેઠળ યોજના શરૂ થાય તે પૂર્વે સાચું ખોટું કરીને સુત્રાપાડાના બરૂલા ગામના સરકારી તળાવમાંથી નેશનલ હાઇવેના કામ માટે અમદાવાદની કળથીયા એન્જીનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપનીને માટી કાઢવાની મંજૂરી આપી હતી. જેમાં તળાવના પાળાને કોઈ નુકસાન ન થાય તે રીતે માટી કાઢવાની હતી પરંતુ કલથીયા ઇન્જિનિયરિંગ કંપનીના પેટામાં માટીકામ કરી રહેલ તાલાલા વિધાનસભાના એક રાજકીય નેતાના મળતીયાઓએ બેફામ રીતે અંદાજે ત્રણેક માસ સુધી સતત માટી કાઢી તળાવના પાળાને નુકસાન પહોચાડ્યું હતું. જેના પરીણામે ગત જુલાઈ માસમાં સામાન્ય વરસાદમાં પણ તળાવના પાળા ઘસવા મંડતા તળાવ જાેખમી સ્થિતિમાં ફેરવાઈ ગયું હતું. જાે કે આ સમયે બરૂલા ગામના અગ્રણી અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના અધ્યક્ષ પ્રો. જીવાભાઈ વાળા સહિત ગ્રામજનોએ આ મામલે જવાબદાર તંત્ર ને ફરિયાદ કરી હતી.
તાલાલા વિધાનસભા વિસ્તારના એક રાજકીય નેતાએ પેટામાં માટીકામ રાખી કરોડોની માટી ચોરીને અંજામ આપ્યો
સોમનાથ – કોડીનાર વચ્ચે નેશનલ હાઇવે નું કામ કરતી કલથીયા એન્જીનીયર એન્ડ કન્ટ્રક્શન કંપની પાસે પેટામાં આ વિસ્તારના એક રાજકીય આગેવાન દ્વારા માટી કામ રાખવામાં આવ્યું હતુ. આ રાજકીય નેતાના મળતીયાઓએ બરૂલા ગામના સરકારી તળાવ માંથી કરોડોની માટી ચોરી કૌભાંડને અંજામ આપ્યો હતો. જાે કે ગત જુલાઈ માસ માં આ તળાવ ના પાળાક્ષતિગ્રસ્ત બન્યા ની ઘટના સમયે જ આ માટીચોરી કૌભાંડ પ્રકાશ માં આવ્યું હતું. ત્યારે આ કૌભાંડ ને દબાવવા નેતાજી અને તેના મળતીયાઓ દ્વારા એડી ચોંટી નું જાેર લગાવ્યું હતું પરંતુ મીડિયા દ્વારા આ સમગ્ર કૌભાંડ ને ઉજાગર કરતાં નેતાજી ને નિષ્ફળતા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથમાં પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના તમામ સરકારી તળાવોની તપાસ હાથ ધરવામાં આવે તો સરકાર તંત્રના જ ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી નેશનલ હાઇવે ના કૉન્ટ્રેક્ટરો દ્વારા મોટાપાયે માટીચોરી કરી સરકાર ને કરોડો નો ચૂનો લગાવ્યા ના સમગ્ર કૌભાંડ પર થી પરદો ઉચકાશે.
કોન્ટ્રાક્ટર કંપનીને એક કરોડ ૩૧ લાખનો દંડ ફટકાર્યો… જાે કે માટી ચોરી ખુબ જ મોટા પ્રમાણમાં થઈ છે
ખાણ ખનીજ વિભાગે સિંચાઈ વિભાગ પાસે અહેવાલ મંગાવ્યો તેમાં રોયલ્ટી ભરપાઈ કરવાની શરતે મંજરી અપાય હતી તો રોયલ્ટી કેમ નથી ભરાણી ? અને રોયલ્ટી નથી ભરી તો તેના વગર કોન્ટ્રાક્ટરને તેના કામના બિલ કેમ ચુકવ્યા ? માટીની રોયલ્ટી કોન્ટ્રાક્ટર ન ભરતા હતા તેને અટકાવવા નકકર પગલાં લેવાને બદલે માટી નહીં ઉપાડવાની સિંચાઈ વીભાગે કોન્ટ્રાક્ટરને માત્ર મૌખિક સૂચના આપીને કેમ સંતોષ માન્યો ? સિંચાઈ વિભાગે કોન્ટ્રાક્ટરને ૫૬૦૦૦ મેટ્રીક ટન માટી ઉપાડી તેનું માપ સાઈઝ કેવી રીતે કાઢ્યું ? અને તેનો ખરેખર થતો દંડ વસુલવાને બદલે ૨૮ લાખ રૂપિયા દંડ કેમ આકાર્ય ? આવા અનેક સવાલો વચ્ચે ખાણ ખનીજ વિભાગે કલથીયા એન્જી. કોન્ટ્રાક્ટર કંપનીને રૂપિયા એક કરોડ ૩૧ લાખનો દંડ ફટકાર્યો છે અને એક માસમાં આ રકમ ભરવા નહીં ભરાય તો ફોજદારી ફરિયાદ કરવા પણ જણાવ્યું છે. જાે કે આ માટી ચોરી ૧.૨૦ લાખ ઘન મીટર થી વધુ હોવાનું સામે આવી રહ્યું છે. સિંચાઈ વિભાગ ના ઈજનેર સુનિલ રાઠોડે તેની સહી સાથે ૪૦ – ૪૦ હજાર ઘન મીટર ની જુદી જુદી તારીખ ની કુલ ત્રણ મંજુરીઓ આપી હતી. આમ છતાં માત્ર ૫૬૦૦૦ મેટ્રિક ટન માટી ચોરીનું જણાવી કરોડોની માટી ચોરી પર પડદો પાડવા હજુ પણ પેરવી થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જાે સદરહુ તળાવનું સાચું સ્થળ પરનું માપ કાઢવામાં આવે તો આ માટી ચોરી નો આંક વધુ કરોડો માં સામે આવશે..
ફરિયાદ બાદ પણ કોન્ટ્રાકટરે દંડની રકમ ન ભરી
આ બાબતની ગીર સોમનાથ જિલ્લા ભાજ૫ બક્ષીપંચના મોરચાના અધ્યક્ષ જીવાભાઈ વાળાએ તંત્રમાં ફરિયાદ કરી હતી ત્યારે સિંચાઈ વિભાગે કરેલા ભ્રષ્ટાચારની કુલડીમાં ગોળ ભાંગવા તા. ૩૦-૭- ૨૪ ના પત્રથી કલથીયા એન્જિનિયર એજન્સીને “તમોને માટીની રોયલ્ટી ભરવા જણાવા છતાં તમે રોયલ્ટી ભરી નથી તેથી અત્રેની કચેરીના તાંત્રિક સ્ટાફે સ્થળ તપાસ કરતા કચેરીની જાણ બહાર ૫૬૦૦૦ મેટ્રિક ટન માટી ઉપાડી લીધી છે એટલે સરકારને ભરવાની થતી રકમ રૂ ૧૪ લાખ અને ૧૪ લાખ રૂપિયાનો દંડ મળીને કુલ રૂ.૨૮લાખ ભરવા જણાવ્યુ હતું પરંતુ આ કોન્ટ્રાક્ટરે આ દંડની રકમ નહીં ભરતા તેની જાણ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને થઈ હતી અને સિંચાઈ વિભાગની કાર્યવાહી અંગે તમામ અહેવાલો મંગાવીને કેટલીક સ્પષ્ટતા કરવા સિંચાઈ વિભાગને જણાવ્યું હતું..
ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ તળાવના પાળાને નુકસાન થયું હતું
કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીની મીલીભગતથી થયેલા આ ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું અને ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ તળાવના પાળાને નુકસાન થવા લાગતા જેમતેમ કરીને આ પાળા રિપેર કરવામાં આવ્યા હતા. જાે પાળા સમયસર રીપેર કરવામાં આવ્યા ન હોત તો બરૂલા ગામના ખેડૂતોના ખેતર અને ગામને ભારે નુકસાન થયું હોત.

error: Content is protected !!