તાજેતરમાં શરૂ થયેલા ધનુર્માસ દરમ્યાન બેટ દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર થયા છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની સવિશેષ ભીડ રહેતી હોય, સમગ્ર માસ દરમ્યાન ચાર અલગ અલગ દિવસોએ ધનુર્માસની પરંપરા અનુસાર ઠાકોરજીનો નિત્યક્રમ યોજાય છે. જે ક્રમ મુખ્યત્ત્વે ગુરૂવાર તથા મંગળવારે કરવામાં આવે છે. જગત મંદિરના પ્રણવભાઈ પૂજારીના જણાવ્યાનુસાર આ વખતે ૧૯ અને ૨૪ મી ડિસેમ્બર તેમજ ૭ તથા ૯ જાન્યુઆરી ના રોજ જગતમંદિરમાં ધનુર્માસ અનુસાર ઠાકોરજીનો નિત્યક્રમ રહેશે. ધનુર્માસમાં ઠાકોરજીને સૂર્યોદય પહેલાં અભિષેકનું મહત્ત્વ હોય આવતીકાલે ૧૯ મી ડિસેમ્બરે ધનુર્માસ ક્રમનો પ્રથમ દિવસ હોય ઠાકોરજીની મંગલા આરતી સવારે ૫ઃ૩૦ વાગ્યે યોજાશે. બાદમાં સૂર્યોદય પહેલા ઠાકોરજીને સ્નાનાદિ અભિષેક ક્રમ થશે. ધનુર્માસના ચાર દિવસોમાં જગતમંદિરમાં સવારે ૫ઃ૩૦ થી ૧૦ઃ૩૦ સુધીમાં સાત ભોગ તથા બે આરતીનો ક્રમ યોજાય છે. સવારે ૯ઃ૪૫ વાગ્યે ઠાકોરજીને રાજભોગ અર્પણ કરાય છે અને ૧૦ઃ૩૦ વાગ્યે અનોસર (મંદિર બંધ) થાય છે. સાંજનો ક્રમ નિત્યક્રમ અનુસાર યોજવામાં આવે છે.