હાલમાં સમગ્ર ભારતમાં શીત લહેર ચાલી રહી હોઈ તેમજ તાજેતરમાં ડિસેમ્બરથી શરૂ થયેલાં ધનુર્માસમાં સૂર્ય ધનરાશિમાં પ્રવેશતાં ધનારક યોગમાં શુભ કાર્યો થતાં નથી અને મુખ્યત્ત્વે ધાર્મિક કાર્યો, ભાગવત સપ્તાહ વગેરે કરવામાં આવે છે ત્યારે ભગવાનશ્રી દ્વારકાધીશમાં પણ વારાદાર પૂજારી દ્વારા ધનુર્માસમાં કાતીલ ઠંડીના દિવસોમાં ઠાકોરજીની સેવાનો પ્રકાર, વસ્ત્ર પરિધાન, આભુષણો, શૃંગાર, ભોગ ઈત્યાદિ મૌસમને અનુરૂપ કરવામાં આવે છે અને ઋતુ અનુસાર ઠાકોરજીની સેવા કરવામાં આવે છે.
ઠાકોરજીને ચાંદીની અંગીઠીમાં તાપણું રાજભોગમાં અડદિયા – ઓળાનો ભોગ
આ અંગે દ્વારકાધીશ મંદિરના પ્રણવ પુજારીના જણાવ્યા મુજબ માગસર મહિનામા સૂર્ય ધનરાશિમાં રહેતો હોય ધનુર્માસની તિથિઓ દરમ્યાન સવારે ૫ઃ૩૦ કલાકે મંગલા આરતી બાદ સૂર્યોદય પહેલા અભિષેક કરવામાં આવે છે જયારે ૧૦ઃ૩૦ કલાકે અનોસર (મંદિર બંધ) થાય છે. શિયાળાની કાતિલ ઠંડીના સમયમાં ઠાકોરજીને અભિષેક બાદ અભિષેક બાદ ઠાકોરજીની સેજામાં સૌભાગ્ય સૂંઠ જેમાં સૂંઠ, ઘી, ગોળ, મરી, તજ, કેશર, કાળ ી મુસલી, ધોળી મુસલી, બદામ પીસ્તા કાજુ ઠાકરોજીને ધરાવવામાં આવે છે. ચાંદીના વાસણમાં સૌભાગ્ય સૂંઠ તથા કેશરયુકત ગરમ દુધ અર્પણ કરી ઠંઠી ઓછી પડે તેવો ભાવ વ્યકત કરવામાં આવે છે. શિયાળાના સમયમાં ભગવાન શ્રી દ્વારકાધીશને સોનાનાં દાગીના પરિધાન કરાવવામાં આવે છે.
ઠાકોરજીને રાજભોગમાં ગરમ વ્યંજનોનો ભોગ ઃ કાશ્મીરી પશ્મીના શાલ સહિત શ્રીજીને ગરમ વસ્ત્રો પરિધાન ઃ પ્રણવ પૂજારી
ભગવાનને ધરાવાતાં ભોગમાં રાજભોગ સમયે અડદીયાનો ભોગ તેમજ બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, નરમ ખીચડી વગેરેનો ભોગ ધરાવવામાં આવે છે. ઉપરાંત શ્રી દ્વારકાધીશને પણ ગરમ વસ્ત્રો જેવા કે બંડી, શાલ તેમજ ગરમ જાકીટ, ઊનનો કોટ સહિતના વસ્ત્રો પરિધાન કરવામાં આવે છે. રાત્રિના સમયે પણ શૃંગાર બડા કરી ગરમ કોટ વુલન કપડાંનો અને કાશ્મીરી પશ્મીના શાલ, સીલ્કની રજાઈ સાથેની સેજા સજાવવામાં આવે છે. આ પ્રકારનો દર્શન ક્રમ ઠંડીના દિવસોમાં આયોજવામાં આવે છે. શયન સમયે ઠાકોરજીને ગરમ સેજા પાથરવામાં આવે છે જેના પર ઠાકોરજીને વિશ્રામમાં જાય તેવો ભાવ કરવામાં આવે છે. રાત્રે ઓઢાડેલ ગરમ શાલ સવારે મંગલા આરતી સુધી રાખવામાં આવે છે. આ ઉપરાંત તીવ્ર ઠંડી હોય ત્યારે જગતમંદિરના વારાદાર પૂજારીઓ દ્વારા ઠાકોરજીને સવારે મંગલા આરતી તેમજ અભિષેક પૂજન બાદ અને સાંજે સંધ્યા સમય બાદ ચાંદીની અંગીઠીમાં અગ્નિ પ્રજવલિત કરી ઉષ્માર્પણનો ભાવ વ્યકત કરાય છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.