રેલકર્મીને વિશ્વાસમાં લઈ કોલ કરવાને બહાને અવારનવાર ફોન લઈ જઇ પેટીએમ એપ ડાઉનલોડ કરી યુપીઆઈથી માતબર રકમ ટ્રાન્સફર કરી લીધેલ : આરોપી બંન્ને શખ્સોએ વૃધ્ધાની બચત રકમ મોજશોખ પાછળ ઉડાડેલ હોવાનું સામે આવ્યું
વેરાવળમાં રહેતા નિવૃત્ત રેલકર્મી વૃધ્ધા પાસેથી તેમનો મોબાઇલ ફોન કોલ કરવાના બહાને અવારનવાર લઈ જઈ પેટીએમ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમના બેંક એકાઉન્ટમાંથી યુપીઆઈ મારફત રૂા.૧૭.૬૦ લાખ જેવી રકમ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી બે પાડોશી યુવાકોએ છેતરપિંડી કરી હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે. જેને લઈ પોલીસે ગણતરીના કલાકોમાં બંન્ને શખ્સોને ઝડપી લીધેલ હતા. બંન્ને શખ્સોએ મોજશોખ પાછળ વૃધ્ધાની બચત રકમ ઉડાડી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વેરાવળની હરસિધ્ઘી સોસાયટીમાં રહેતા વિજયભાઈ મોકરીયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, તેઓને પૈસાની જરૂર હોવાથી તેમના માતા એવા નિવૃત રેલવેકર્મી કાંતાબેનને સાથે લઈ એસબીઆઈ બેંકમાં તેમના ખાતામાંથી રૂા.એક લાખની રકમ ઉપાડવા ગયા હતા. ત્યાં સ્લીપ ભરીને આપતા બેંકના કેશિયરને આપતા તેમના ખાતામાં માત્ર રૂા.૫૧,૪૦૯ ની રકમ હોવાનું જણાવતા તેમણે રૂા.૫૦ હજાર ઉપાડી લીધા હતા. ત્યારબાદ તેમણે માતાના બેંક એકાઉન્ટનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ કઢાવતા માતાના મોબાઈલ નંબરના યુપીઆઈથી અલગ-અલગ બેંક ખાતામાં રૂ.૧૭.૬૦ લાખ જેવી માતબર રકમ ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઈ તેમણે માતા કાંતાબેનને પૂછતાં તેઓએ જણાવેલ કે, તેમના પાડોશમાં રહેતા સચીન રસિકભાઈ પટેલ તથા કૃણાલ વાધેલા નામના બન્ને શખ્સો તેમની પાસેથી અવાર નવાર મોબાઈલ ફોન કોલ કરવા માટે લઈ જતા હતા. આ બન્નેએ કાંતાબેનની જાણ બહાર મોબાઇલ ફોનમાં પેટીએમ એપ્લીકેશન ડાઉનલોડ કરી મોબાઈલ દ્વારા તેમના ખાતામાંથી કટકે-કટકે રૂા.૧૭.૬૦ લાખની રકમ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું હતુ. આ અંગે સચીન પટેલને પૂછતા તેમણે રકમ ટ્રાન્સફર કરી હોવાનું કબૂલતા આપી હતી. ઉપરોક્ત વિગતો સાથે પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને આરોપી સચિન પટેલ અને કૃણાલ વાઘેલાને ઝડપી લઈ પુછપરછ હાથ ધરી હતી. જેમાં બંન્ને શખ્સોએ મોજશોખ પાછળ વૃધ્ધાની રકમ ઉડાડેલ હોવાનું પોલીસને જાણવા મળતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.