રાજકોટ જિલ્લા કલેકટરશ્રી-અધિકારીશ્રીઓ રાજયકક્ષાની ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાયા : પ્રથમ ક્રમે નાયબ પશુપાલન નિયામક – ઘનિષ્ઠ સુધારણાની કચેરી, બીજા ક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તથા ત્રીજા ક્રમે અધિક્ષક ઈજનેર-પી.જી.વી.સી.એલ.શ્રીની કચેરી પસંદગી પામી
ભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે, આજે રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં આજે શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરીંગ કચેરી તરીકે પસંદ પામેલી ત્રણ સરકારી કચેરીનું જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે, સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા હૉલ ખાતે સુશાસન દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સવારે ૧૧:૦૦ કલાકથી શરૂ થઈ હતી. આ કાર્યક્રમમાં રાજકોટથી જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ તકે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ રાજકોટ જિલ્લામાં વહીવટી કામગીરી તેમજ યોજનાઓના અમલમાં સર્જનાત્મક અભિગમ સાથે કામ કરવા જિલ્લાના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન – ૨૦૨૪ અંતર્ગત કચેરીમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ, રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી તેમજ કચેરીઓમાં રેકર્ડ સાફ-સફાઈ, જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ નિભાવ, ડેડ સ્ટોકનો નિકાલ વગેરે બાબતો અંગે શ્રેષ્ઠ ઈમર્જિંગ – એસ્પાયરિંગ કચેરી તરીકે ત્રણ કચેરી પસંદ કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમે નાયબ પશુપાલન નિયામક – ઘનિષ્ઠ સુધારણાની કચેરી, બીજા ક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તથા ત્રીજા ક્રમે અધિક્ષક ઈજનેર-પી.જી.વી.સી.એલ.શ્રીની કચેરી પસંદગી પામી છે. આજે સુશાસન દિવસે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીના હસ્તે અનુક્રમે નાયબ નિયામક-પશુપાલન ડૉ. એ.એમ. ડઢાણિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ દિહોરા, તથા પી.જી.વી.સી.એલ.ના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર શ્રી જે.બી ઉપાધ્યાયને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે, ડી.સી.પી. ઝોન -૨ શ્રી જગદીશ બાંગરવા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનર શ્રી હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી આલોક ગૌતમ તેમજ અન્ય અધિકારીઓ વર્ચ્યુઅલી સહભાગી થયા હતા.