દ્વારકા તાલુકામાં ઓખાનાં વેપારીઓ અને તેમનાં સંતાનો અને નગરજનો હર હમેશ ધાર્મિક, જીવદયા અને સામાજિક સેવાઓનાં કાર્યો માટે અગ્રેસર રહે છે. નવરાત્રી, જન્માષ્ટમી, રામનવમી, હનુમાન જયંતી, હોળી ઉપરાંત અનેક ધાર્મિક ઉત્સવ ઉજવણીમાં ઓખાનાં વેપારીઓ તન, મન અને ધનથી સહકારની ભાવનાથી હંમેશાં સંગઠીત રહીને હોંશભેર ભાગ લે છે. શ્રાધ્ધ પક્ષમાં ગૌસેવાનું કાર્ય તેઓનું પ્રસંશનીય કાર્ય હોય છે. સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિકતાને ટકાવવા છેલ્લા ૬ વર્ષથી યાત્રાધામ બેટ-દ્વારકાની ૩૨ કિ.મી.ની પગપાળા પ્રદક્ષિણા કરી ભગવાન દ્વારકાધીશને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરે છે. અંગ્રેજી વર્ષનાં અંતિમ દિવસો એટલે કે ડિસેમ્બરમાં આ આયોજન થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર યાત્રાધામ બેટ-દ્વારકાની પગપાળા પ્રદક્ષિણા કરવાથી અનેકગણું ધર્મ ફળ મળે છે. રવિવારે ઓખાનાં ૩૦ જેટલા વેપારી-નગરજનો સવારે દ્વારકાધીશનાં દર્શન કરીને આ પ્રદક્ષિણા પદયાત્રા શરૂ કરીને સાંજે પૂર્ણ કરી ભગવાનનાં આશિર્વાદ લીધા હતા.