તાલુકા હેલ્થ અધિકારી ડો.સાપરિયા તેમજ મેવાસા PHCના ડો.ધર્મીશા દ્વારા વૃદ્ધાશ્રમના વડીલોનું ટીબી નિદાન કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતને ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત કરવાનું ધ્યેય નક્કી કરાયેલ છે. જે અન્વયે હાલમાં ભારતના ૩૪૭ જિલ્લાઓ તે પૈકી ગુજરાતના સોળ જિલ્લા અને ચાર કોર્પોરેશનમાં ટીબી નાબૂદી અભિયાન અંતર્ગત સો દિવસની સઘન ઝુંબેશનો આરંભ તારીખ સાત ડિસેમ્બરથી થયેલ છે, જેમાં ટીબી થવાની શક્યતા ધરાવતા લોકોને કફ તથા એકસ રેની તપાસ દ્વારા ટીબી હોય તો તેનું વહેલું નિદાન કરવાનું છે અને નિદાન થાય તો સમયસર સારવાર ઉપર મૂકી સ્વસ્થ કરવાનું છે, આ અંતર્ગત આયુષમાન આરોગ્ય મંદિર દ્વારા યાત્રાધામ વીરપુર ગામમાં આવેલ માવતર વૃદ્ધાશ્રમ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન જનકભાઈ ડોબરીયાના અધ્યક્ષ સ્થાને એક નિક્ષય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનકભાઇ ડોબરીયાએ વૃદ્ધાશ્રમના હાજર રહેલા વડીલોને આ નિક્ષય શિબિર અંગે માહિતી આપી હતી. તેમજ તાલુકા હેલ્થ ઓફિસર જેતપુર ડો. સાપરિયા દ્વારા ટીબીની બીમારી, તેના લક્ષણો, વિવિધ નિદાન પધ્ધતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા મેડિકલ ઓફિસર ઁૐઝ્ર મેવાસા ડો. ધર્મિશા દ્વારા નિદાન થાય તો દર્દીઓએ પૂર્ણ સારવાર લેવા તથા ટીબીના દર્દીઓ સાથે ભેદભાવ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વૃદ્ધાશ્રમ તમામ વડીલોનું ટીબીની બીમારી અંગે સ્ક્રીનીંગ કરી સાથે સાથે બીપી અને સુગરની તપાસ કરવામાં આવી હતી. તેમજ જે વડીલોના આયુષ્માન કાર્ડ બાકી હતા તેમને આયુષમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા અને વડીલોને એકસરે તપાસ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વીરપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા, આ કામગીરીમાં ટીબી સુપરવાઈઝર રાઠોડભાઈ, તાલુકા સુપરવાઈઝર કાનાણીભાઈ તથા આયુષ્માન આરોગ્ય મંદિર વીરપુર તથા કાગવડના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સ્ટાફ હાજર રહી જહેમત ઉઠાવી હતી.