માંગરોળ નગરપાલીકા દ્વારા હવે કયાં વિસ્તારમાં ડીમોલેશન થશે ?

0

માંગરોળ નગરપાલિકાએ ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરી ટાવર ગાર્ડનની બહાર રોડ ટચ એવી કરોડોની કિંમતની ૭૦૦થી ૮૦૦ વાર જગ્યા ખુલ્લી કરી હતી. કેબિનધારકોએ પોતાની કેબિનો સ્વેચ્છાએ હટાવી લીધા બાદ પાકા ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. હજુ પણ આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં આ કામગીરી ચાલુ રહેશે તેમ ચિફ ઓફીસરે જણાવ્યું હતું. થોડા દિવસો પહેલા શહેરમાં ન.પા. દ્વારા દુકાનોના છાપરા, બોર્ડ, હોર્ડિંગસ દુર કરવાની કાર્યવાહી હાથ ધરાયા બાદ દબાણ હટાવવાની કામગીરીને કોઈ કારણોસર ઓચિંતી બ્રેક લાગી જવા પામી હતી. દરમ્યાન ટુંકા વિરામ પછી આજે બપોર બાદ પોલીસ બંદોબસ્ત સાથે ન.પા. ચિફ ઓફીસર તથા સ્ટાફે ટાવરની બહારના ભાગે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા કુતુહલવશ લોકો એકત્ર થયા હતા. અહીં ૧૦ થી ૧૨ જેટલા કેબિનધારકોને અગાઉ નોટીસ અપાઈ હતી. જેથી ધંધાર્થીઓએ સ્વેચ્છાએ કેબિનો હટાવી લીધી હતી. જ્યારે પાકા ઓટલા આજે જેસીબીની મદદથી તોડી પડાયા હતા. અહીં ઠરાવવાળા કેબિનધારકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી હોવાનું ન.પા. સૂત્રોએ જણાવ્યું હતું. ન.પા. હદ વિસ્તારમાં જેટલી જગ્યા ખુલ્લી થશે તેની ફરતે ફેન્સિંગ કરી નગરપાલિકાના કબ્જામાં લેવામાં આવશે તેમ વધુમાં ચિફ ઓફીસરે જણાવ્યું હતું. ન.પા. દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહીની શરૂઆત થઈ છે ત્યારે હવે પછી કયા વિસ્તારમાં જેસીબી ધણધણશે ? તેની ચર્ચાઓ ઉઠી છે.

error: Content is protected !!