મહિલાને વધુ સારવાર અર્થે જામનગર ખસેડાઈ હતી
ખંભાળિયામાં આવેલી તાલુકા પંચાયત કચેરીની પાછળના ભાગે રહેતા કાજલબેન કાનજીભાઈ રાઠોડ નામના ૩૦ વર્ષના સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા તેણીને ગત તા. ૭ ડિસેમ્બરના રોજ અત્રે જાેધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી હિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની સિઝેરિયન મારફતે ડિલિવરી કરાઈ હતી. પ્રસુતિ બાદ તેણીને લેવામાં આવેલા ટાંકામાં રસી થઈ જતા પુનઃ હિત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં પણ પુનઃ તેણીની સાત દિવસ સારવાર કરવામાં આવી હતી. આ પછી ઉપરોક્ત મહિલાની હાલત બગડતા વધુ સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીની ચાલી રહેલી સારવાર વચ્ચે ગઈકાલે મંગળવારે તેમનું મૃત્યું નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ કાનજીભાઈ બટુકભાઈ રાઠોડએ અહીંની પોલીસને કરી છે. જે સંદર્ભે આગળની તપાસ પી.એસ.આઈ. એમ.એચ. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.