GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગ તથા સુરક્ષા અંગે જાગૃતિ મુલાકાત યોજાઈ
જૂનાગઢ, તા.૧
GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જૂનાગઢ ખાતે કોલેજ પરિસરમાં આવેલા બી-૩ બોયઝ હોસ્ટેલ તેમજ ર્નસિંગ/નોન-ટીચિંગ ક્વાર્ટર્સ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ તથા અન્ય કોઈપણ પ્રકારની ગેરપ્રવૃત્તિ અંગે જાગૃતિ લાવવા તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાત્રે ૧૧:૦૦ કલાકે સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થીઓ સાથે રેગિંગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને રેગિંગના કોઈપણ પ્રકારનો અનુભવ થાય અથવા કોઈ ગેરરીતિ જણાય તો તાત્કાલિક કોલેજના સત્તાધિકારીઓને જાણ કરવા સમજાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને રેગિંગ સંબંધિત નિયમો, તેની ગંભીરતા તેમજ ઉપલબ્ધ ફરિયાદ વ્યવસ્થા અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું કે, સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કે રેગિંગ કરવું નહીં તેમજ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને મદદરૂપ થવું. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ગેરપ્રવૃત્તિ અંગે ર્નિભયતાથી ફરિયાદ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
હોસ્ટેલમાં સ્વચ્છતા, સુરક્ષા અને શિસ્ત જાળવવા અંગે પણ વિદ્યાર્થીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો બેદરકારીપૂર્વક ઉપયોગ ન કરવો, હોસ્ટેલની મિલકતને નુકસાન ન પહોંચાડવું તેમજ પરિસરમાં સ્વચ્છતા જાળવવા અંગે સમજ આપવામાં આવી હતી. રેગિંગ જેવી પ્રવૃત્તિ જણાય તો તેની જાણ તાત્કાલિક એન્ટી રેગિગ કમિટી, ડીન ઓફીસ અથવા અધિકૃત અધિકારીને કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ર્નસિંગ ક્વાર્ટર્સ તથા નોન-ટીચિંગ ક્વાર્ટર્સ ખાતે પણ રાઉન્ડ લેવામાં આવ્યો હતો. અહીં સુરક્ષા વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને હોસ્ટેલના સિક્યુરિટી સ્ટાફને સતર્ક રહેવા અને સુરક્ષા વ્યવસ્થા અંગે ધ્યાન રાખવા જણાવાયું હતું. તેમજ ક્વાર્ટર્સ પાસે CCTV સહિતની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ કરવા અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સમગ્ર મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત, શિસ્તબદ્ધ, સ્વચ્છ અને રેગિંગમુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવાનો હતો.
મુલાકાત દરમિયાન GMERS મેડિકલ કોલેજ, જૂનાગઢના ડીન ડૉ. એચ.એસ. આમણે, ડૉ. દીપેશ જાલાવાડિયા (આસિસ્ટન્ટ પ્રોફેસર), જે.જે. જોષી (કચેરી અધિક્ષક) તથા જુગર બોધર (સિનિયર ક્લાર્ક) ઉપસ્થિત રહ્યા હતા.


