ચોમાસાના પ્રારંભે જ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : 10 ઈંચ ખાબક્યો
મુંબઈ, તા.24
નૈઋત્ય ચોમાસાએ મુંબઈમાં પ્રવેશ કરતાની સાથે જ અસલી રંગ દેખાડયો હોય તેમ ગત આખી રાત્રી દરમ્યાન વરસાદ પડયો હતો અને ધોધમાર 10 ઈંચ વરસાદ પડયો છે. મહાનગર મુંબઈના અનેક ભાગો જળબંબાકાર થઈ ગયા છે.
આજે સવારમાં જ મુંબઈગરાઓને અનેકવિધ હાલાકીનો સામનો કરવો પડયો હતો. જોકે ચોમાસાનાં ધમાકેદાર આગમનથી લોકો ખુશખુશાલ હતા. મુંબઈ હવામાન ખાતાના રિપોર્ટ મુજબ આખી રાત વરસેલા વરસાદથી કોલાબામાં 10 ઈંચ તથા શાંતાક્રૂઝમાં 9 ઈંચ પાણી વરસ્યુ હતું.ચોમાસાના સતાવાર પ્રવેશ પછીનો પ્રથમ વરસાદ ભારે ધમાકેદાર રહ્યો હતો.
મહાનગરમાં રાતભર ધમાકેદાર વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.અંધેરી સબ-વે સંપૂર્ણ રીતે પાણીમાં ડુબી ગયો હતો. અને તંત્ર દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
મહાનગરના અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા સાથે જળબંબાકારની હાલત સર્જાઈ છે. વાહન વ્યવહાર પણ પ્રભાવીત બન્યો હતો. મધરાત્રે પાંચ કલાકમાં જ જુદા જુદા વિસ્તારોમાં ચાર ઈંચ સુધીનો વરસાદ થયો હતો.
હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ મુંબઈ અને તેના ઉપનગરો માટે રેડ એલર્ટ જારી કર્યું છે. થાણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાલઘર જિલ્લાને પણ રેડ એલર્ટ પર રાખવામાં આવ્યો છે, જ્યારે રાયગઢ, રત્નાગિરિ અને સિધુદુર્ગ જિલ્લાઓ માટે પીળો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. કલ્યાણ, ડોંબિવલી, કર્જત અને નેરલ વિસ્તારોમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.


